HUMAN DEVELOPMENT AND VARIOUS EARLIER CONCEPT OF DEVELOPMENT
માનવ વિકાસ અને વિકાસના અન્ય ખ્યાલો વચ્ચેનો તફાવત
Dr.Ashok N. Patel
2 of 10
વિકાસના અન્ય નિર્દેશકો (ખ્યાલો) કરતાં માનવ વિકાસનો ખ્યાલ કેમ ચઢિયાતો છે. (મહત્વ)
પ્રસ્તાવના: કોઇપણ દેશની આર્થિક પ્રગતિ અને વિકાસ માટેની ક્ષમતા નક્કી કરનારા જે પરિબળો છે તેમાં માનવ મૂડી એક મહત્વનું અને નિર્ણાયક પરિબળ ગણવામાં આવે છે. રાષ્ટ્ર પાસે ગમે તેટલી સાધન સંપતિ હોય પરંતુ આ સાધન સંપત્તિનો ઉત્પાદક ઉપયોગ કરી તેને વિવિધ સેવાઓમાં જોતરી શકે એવું માનવ પરિબળ ન હોય તો એ દેશ ઝડપી આર્થિક વિકાસ અને પગતિ સાધી શકશે નહિં. ખેતી, ઉદ્યોગ, સિંચાઇ, રેલવે, રસ્તા વગેરેમાં કરવામાં આવતા મૂડીરોકાણને ભૌતિક મૂડીરોકાણ કહેવામાં આવે છે. આ ભૌતિક મૂડીરોકાણ દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે છે. પરંતુ આ ભૌતિક મૂડીરોકાણ કરવા માટે માનવ મૂડીરોકાણ અનિવાર્ય થઇ પડે છે, કારણ કે દેશની કુદરતી અને ભૌતિક સાધન સંપત્તિના ઉપયોગનો આધાર માનવ મૂડી પર રહેલો છે. અપેક્ષિત આર્થિક વિકાસનો દર પ્રાપ્ત કરવા માટે માનવ વિકાસ પૂર્વ શરત બની રહે છે.
3 of 10
વીસમી સદીના 50 ના દાયકા સુધી અર્થશાસ્ત્રીઓ અને અર્થ નિષ્ણાતોએ આર્થોક વિકાસના એક નિર્ણાયક પરિબળ તરીકે માનવ મૂડીરોકાણની ભૂમિકાને બહુ પ્રાધાન્ય આપ્યુ નહોતું. પરંતુ ત્યાર પછીના વર્ષોમાં આર્થિક વિકાસની વ્યુહરચનામાં માનવ મૂડી અને માનવ સંસાધન વિકાસના ખ્યાલો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા થયા છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના સંશોધન બાદ 1989-90ના સમયગાળામાં લોર્ડ મેઘના દ. દેસાઇ અને નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. અમર્તસેન દ્વારા માનવ વિકાસ આંકના ખ્યાલની રજૂઆત કરવામાં આવી હતી. અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Program ) દ્વારા 1990માં તેના પ્રથમ માનવ વિકાસ અહેવાલ (Human Development Report) માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછેથી પ્રતિ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. માનવ વિકાસ આંક એ ત્રણ નિર્દેશકોનો મિશ્રિત આંક (Composite Index) છે જેમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સંપાદન (પ્રૌઢ સાક્ષરતા અને શાળાએ જતા બાળકોનું પ્રમાણ) અને માથાદિઠ આવક. આમ, માનવ વિકાસ આંક એ ત્રણ મૂળભૂત બાબતોનો મિશ્રિત આંક છે. જેમ કે, તંદુરસ્ત જીવન, શિક્ષિત હોવું અને સારું જીવન ધોરણ.
પ્રથમ બે નિર્દેશકો સામાજિક વલણોના નિર્દેશકો છે. અપેક્ષિત આયુષ્યમાં વૃદ્ધિ એ આરોગ્ય અને બાળમરણમાં ઘટાડો તથા પોષણક્ષમ આહારમાં થયેલી પ્રગતિનું પ્રતિબિંબ પાડે છે. એજ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પ્રૌઢ શિક્ષણ તથા પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર અને તાંત્રિક શિક્ષણમાં વિદ્યાર્થીઓની નોંધણીનું પેઅમાણ તેમજ મહિલા સાક્ષરતાનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજો નિર્દેશક જે માથાદીથ આવકનો નિર્દેશક છે. અને તે લોકોને પ્રાપ્ત થતી રોજગારીના સ્તર તથા પાયાની ન્યુનત્તમ જરૂરિયાતો અને સેવાઓની ઉપલબ્ધીનો નિર્દેશ કરે છે.
4 of 10
વિકાસના અન્ય નિર્દેશકો: આર્થિક વિકાસના અન્ય નિર્દેશકોની સ્મજૂતિ નેચી પ્રમાણે આપી શકાય.
વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો: આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાસઃટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઇ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી રહી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય અને રાષ્ટ્રીય આવક નીચા દરે વધી રહી હોય તો વિકાસનો દર નીચો ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો ન હોય તો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં અને રા.આ. માં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસ પીછેહઠની અવસ્થામાં ગણાય.
આ વિકાસ આંકની મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. આવક, ઉત્પાદન અને ખર્ચ પદ્ધતી મુખ્ય છે. આ દરેક પદ્ધતિમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ જુદુ જુદુ મળે છે. બીજુ કે બધા જ દેશો એકસરખી પદ્ધતિ અપનાવતા નથી આથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય થઇ શક્તુ નથી. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશમાં અંતિમ સ્વરૂપમાં થયેલ ચેજ વસ્તુઓ અને સેવાઓના કુલ વધારાનો વાસ્તવિક સ્વરૂપમાં નિર્દેશ કરે છે નહિ કે નાણાકીય સ્વરૂપમાં. અહી ભાવોમાં થતા ફેરફારો લક્સમાં લેવામાં આવતા નથી તેથી વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાતી નથી. ત્રીજુ કે આ નિર્દેશક વસ્તીવૃદ્ધિમાં થતા ફેરફારોને ધ્યાનમાં લેતો નથી. પર્યાવરણીય બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવ્તી નથી. રાષ્ટ્રીય આવક અને લોકોના ભૌતિક કલ્યાણ વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ નથી.
માથાદીઠ વાસ્તવિક આવક: આ નિર્દેશક મુજબ દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. અહે માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક એવો અર્થ થાય છે. આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે અને એ દ્રષ્ટિએ તે આગલા નિર્દેશક કરતાં ચઢિયાતો છે. અહે પણ વાસ્તવિક માથાદિઠ આવકને ધ્યાનમાં લેવામાં આવી છે. નાણાકીય માથાદિઠ આવકને નહિં.
આ વિકાસ આંકની મર્યાદા એ છે કે માથાદીઠ આવકનો આધાર રાષ્ટ્રીય આવક અને વસ્તીના કદ પર રહેલો છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ અહી પણ લાગુ પડે છે. જો વસ્તી ગણતરીના આંકડા ચોક્કસ ન હોય તો પણ સાચી માથાદીઠ આવક જાની શકાતી નથી. માથાદીથ આવકનો આંકડો સરેરાશ સૂચવે છે. તેના પરથી આવકની વહેચણીનો ખ્યાલ આવી શક્તો નથી. દેશની માથાદીઠ આવકમાં વધારો થયો હોય પરંતુ આવકની વહેચણી અસમાન થઇ હોય તો વિકાસના ફળ શ્રીમંતોને મળશે જ્યારે ગરીબોની સુખાકારીમાં કોઇ ખાસ વધારો થશે નહિં. અહી માથાદીઠ આવકની આંતરરાષ્ટ્રીય તુલનાની પણ મૂશ્કેલીઓ રહેલી છે. આ ઉપરાંત બીજી ઘણી મૂશ્કેલીઓ અહે ઉદભવે છે.
5 of 10
પાયાની જરૂરિયાતોનો અભિગમ અથવા આર્થિક વિકાસના માપ તરીકે સામાજિક નિર્દેશકો: કુલ ઘરેલું પેદાશ તથા માઠાદિઠ વાસ્તવિક આવકના નિર્દેશકોની મર્યાદાઓના સંદર્ભમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસને સામાજિક નિર્દેશકોના સ્વરૂપમાં માપવાનો પ્રયાસ કર્યો છે. સામાજિક નિર્દેશકોમાં અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી પોષ્ટિક આહાર, માથાદીઠ ડૉક્ટરો તથા હોસ્પીટલોમાં પથારીઓની સંખ્યા, શિક્ષણ, પાણી પુરવઠો, સફાઇ- સ્વચ્છતા, રહેઠાણ વગેરેને ઉપકરણો કહેવામાં આવે છે, જ્યારે બાળમરણ દરમાં ઘટાડો, માંદગી દરમાં ઘટાડો વગેરેને પરિણામ કહેવામાં આવે છે. સામાજિક નિર્દેશકોને વિકાસ માટેની મૂળભૂત કે પાયાની જરૂરિયાતો તરીકે પણ ઓળખવામાં આવે છે.
આર્થિક વિકાસના માપ તરીકે સામાજિક નિર્દેશકોની મુખ્ય મર્યાદા એ છે કે આ આંક તૈયાર કરવામાં કેટલા નિર્દેશકોનો સમાવેશ કરવો અને તે અંગે અર્થશાસ્ત્રીઓમાં એકમતી નથી. ઉપરાંત ઉપરોક્ત નિર્દિષ્ટ કરેલી બાબતો પ્રત્યે ભાર આપવામાં પણ કેટલીક મુશ્કેલીઓ રહેલી છે. કારણ કે તે દેશના સામાજિક આર્થિક અને માળખા પર મહદંશે આધાર રાખે છે. તેમાં વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ આવી જવાનો સંભવ છે. ઉપરાંત સામાજિક નિર્દેશકો એ વર્તમાન કલ્યાણ સાથે સંબંધિત છે નહિ કે ભવિષ્યના કલ્યાણ સાથે.
6 of 10
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક (PQLI) : માનવ વિકાસ અંગેના અમુક પસંદ કરાયેલ સામાજિક નિર્દેશકોનો ઉપયોગ કરીને (વિવિધ આંક સંયુક્ત અથવા મિશ્રિત કરીને) વિકાસ મપવા માટેના પ્રયાસ અર્થશાસ્ત્રીઓએ કર્યા છે. પ્રો. એમ.ડી.મોરિસ દ્વારા રજૂ કરાયેલ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાનું વલણ થોડાક વર્ષો અગાઉ બળવત્તર બન્યું હતું. આના આધારે અમેરિકાની એક ખાનગી સંસ્થા “ દરિયા પારની સંસ્થા” (The Overseas Development Council) ના ઉપક્રમે વોશિંગ્ટન યુનિ. ના પ્રો. એમ.ડી.મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત 1979 માં કરી છે. આ આંકમાં ત્રણ બાબતો જેવી કે અપેક્ષિત આયુષ્ય, બાળમરણ દર અને સાક્ષરતાનો આંકની ગણતરી કરી વિકાસનો ખ્યાલ લેળવવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક બીજા નિર્દેશકો કરતાં ચઢિયાતો છે છતાં મર્યાદાઓથી પર નથી.
પ્રો. મોરિસ સ્વયં સ્વિકારે છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ પાયાની જરૂરિયાતોનું એક મર્યાદિત માપ છે. આ આંક રાષ્ટ્રીય પેદાશના પૂરક તરીકે અને નહિ કે તેના અવેજ તરીકે કાર્ય કરે છે. આ આંક આર્થિક-સામાજિક વ્યવસ્થામાં આવતા પરિવર્તનોની સ્પષ્ટતા આપતો નથી. આ આંકમાં જે ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે તેમાં આર્થિક વિકાસને લગતી બધી જ બાબતો આવરી લેવામાં આવતી નથી. વિવિધ દેશોના તુલનાત્મક અભ્યાસ માટે આ આંક અવ્યવહારું બની જાય છે.
7 of 10
માનવ વિકાસ આંકમાં સમાવિષ્ટ અન્ય પાસાંઓ: છેલ્લા ત્રણ દાયકા દરમિયાન માનવ વિકાસના મોડેલમાં બીજાં અનેક પાસાંઓ ઉમેરાયા છે. અને એક મ્રીતે જોઇએ તો સમગ્ર ખ્યાલ જ બદલાઇ ગયો છે. હવે, વિકાસના બદલે ચિરંતન વિકાસ શબ્દ વપરાય છે. અને તેમાં મૂડી અને સંસાધનોના તમામ સ્વરૂપ- ભૌતિક, માનવીય, નાણાકીય અને પર્યાવરણને ટકાઉ બનાવવાના મહત્વ ઉપર ધ્યાન કેંન્દ્રિત કરવામાં આવે છે. માત્ર વર્તમાન પેઢીની જ નહિ પરંતુ ભાવિ પેઢીની જરૂરિયાતોને સંતોષવાની પૂર્વ શરત તરીકે ગણવામાં આવે છે. ચિરંતન વિકાસ માત્ર પર્યાવરણના જતન માટે જ નથી, પરંતુ આર્થિક વૃદ્ધિનો એક નવો ખ્યાલ છે. જે તમામ દેશોના તમામ લોકો માટે ન્યાય અને તકોની સમાનતા ઉપર આધારિત છે. માનવ વિકાસ આંકના મૂલ્યની ગણતરી ત્રણ નિર્દેશકો જન્મ વખતે અપેક્ષિત આયુષ્ય, પ્રૌઢ સાક્ષરતા( 2/3ભાર) તથા પ્રાથમિક, માધ્યમિક, અને ટેકનિકલ કક્ષાએ શાળામાં પ્રવેશ મેળવતા બાળકોનું પ્રમાણ (1/3 ભાર) તથા સારું જીવનધોરણ –માથાદીઠ વાસ્તવિક આવક-ડૉલરના સંદર્ભમાં તથા સમખરીદશક્તિને અનુલક્ષીને.
8 of 10
માનવ વિકાસ આંકના ખ્યાલનું મહત્વ: આધુનિક સમયમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ કોઇપણ દેશની વિકાસની વ્યુહરચનામાં મહત્વનું સ્થાન ધરાવે છે.
માનવ વિકાસનો ખ્યાલ એકપાંખિયો નહિ પરંતુ બહુપાંખિયો છે, કારણ કે તેમાં આવક ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય જેવા નિર્દેશકોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
માનવ વિકાસ આંક આર્થિક નીતિના ઘડવૈયાનું એ બાબત પર ખાસ ધ્યાન દોરે છે કે વિકાસનો અંતિમ હેતુ માત્ર આર્થિક વિકાસ જ નહિ પરંતુ માનવ વિકાસ છે. આર્થિક વિકાસ એ સાધન છે, જ્યારે માનવ વિકાસ સાધ્ય છે.
આ ખ્યાલ કુલ રાષ્ટ્રીય પેદાશના ખ્યાલ કરતાં વધુ અર્થપૂર્ણ અને ઉપયોગી છે. કારણ કે અપેક્ષિત આયુષ્ય અથવા સાક્ષરતાના પ્રમાણ કરતાં આવકની વહેચણીમાં વધુ અસમાનતા કે તફાવત જોવા મળે છે.
માનવ વિકાસ આંકમાં સુધારો એ પ્રજાના જીવન ધોરણમાં થતાં સુદારાનો વધુ વિધેયાત્મક નિર્દેશક ગણવામાં આવે છે
સમાજના અમુક વર્ગની આવકમાં થતો વધારો એ કદાચ અન્યોની આવકના ભોગે અથવા અન્યોના આવક ઘટાડામાં કદાચ પરિણમી શકે. પરંતુ માનવ વિકાસની બાબતમાં આમ, થવાની શક્યતા નથી. સમાજના કોઈપણ વર્ગમાંના શિક્ષણ કે આરોગ્યમાં થયેલ સુધારો એ સમગ્ર સમાજ માટે લાભદાયી નીવડે છે.
અલ્પવિકસિત દેશો માનવ વિકાસ આંક દ્વારા પોતે વિકસિત દેશોની તુલનામાં કેટલા પાછળ છે. તે જાણી શકે છે.
આ નિર્દેશકો ગતિશીલતાનું તત્વ ધરાવે છે. માહિતી સ્રોત અને મૂલ્યમાં પરિવર્તન થતાં માનવ વિકાસ આંક પણ બદલાય છે, અને વિકાસની દિશા સાચી છે કે કેમ તેનો ખ્યાલ આપે છે.
9 of 10
ટૂંકમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ એ વિચારધારાને સમર્થન આપે છે કે “માનવ વિકાસ એ સાધ્ય છે જ્યારે આર્થિક વિકાસ એ સાધન છે. માનવ વિકાસ અહેવાલ 2008માં જણાવ્યા મુજબ 2006 માં વિશ્વના 179 દેશો પૈકી ભારતનો ક્રમ 132 મો હતો. આ અન્વયે ભારતમાં અપેક્ષિત આયુષ્ય 64.1 વર્ષ જેટલું, બાળ મરણનું પ્રમાણ પ્રતિ 1000 એ 58 જેટલું, પ્રૌઢ સાક્ષરતાનું પ્રમાણ 65.2 ટકાનું અને માઠાદીઠ આવકનું પ્રમાણ 2670 ડોલર જેટલું હતું. માનવ વિકાસના અન્ય નિર્દેશકો પણ તાજેતરના વર્ષોમાં રજૂ કરવામાં આવે છે જેવા કે,
મહિલા સંબંધિત વિકાસ આંક અને મહિલા સશક્તિકરણના માપનો આંક- જેમાં મહિલા સંબંધિત વિકાસ આંકમાં મહિલાઓનું અપેક્ષિત આયુષ્ય, પ્રૌઢ મહિલા સાક્ષરતાનું પ્રમાણ અને મહિલાઓની માથાદીઠ આવકની ગણતરી કરવમાં આવે છે. જ્યારે સશક્તિકરણના આંકમાં મહિલાઓની સંચાલકીય અને વહીવટીય ક્ષેત્રમાં ભાગીદારી, વ્યવસાયિક અને ટ્કનિકલ નોકરીઓમાં મહિલાઓનો હિસ્સો તઠ રાજકીય નિર્ણયકરણની પ્રક્રીયામાં મહિલાઓની ભાગીદારી વગેરેનો સ્માવેશ થાય છે.
મહિલા સમાનતા આંક: મહિલાઓની સ્થિતિ અંગેનો આંક છે. માનવ સૂચક આંકની તુલનામાં આ જાતિગત તફાવતનો સૂચકઆંક આંક તૈયાર કરવામાં આવે છે. જેમાં મહિલાઓનું અપેક્ષિત આયુષ્ય, મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અને મહિલાઓની આવકને ધ્યાનમાં લેવાય છે.
10 of 10
માનવ સુખાકારી આંક: માનવ સુખાકારી આંકનો ખ્યાલ સૌપ્રથમ 1972માં ભૂતાન દેશ દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો હતો અને તે રાષ્ટ્રીય સુખાકારી સાથે સંકળાયેલ છે. કુલ રાષ્ટ્રીય સુખાકારીનો ખ્યાલ એક એવો નિર્દેશક છે કે જે કુલ ઘરેલું પેદાશ અને કુલ રાષ્ટ્રીય પેદાશની તુલનામાં જીવનની ગુણવત્તા અથવા સામાજિક પ્રગતિને વધુ સર્વગ્રાહી અને મનોવૈજ્ઞાનિક સંદર્ભમાં માપે છે.
સમાલોચના: આમ, આજથી લગભગ 60 જેટલા વર્ષ પૂર્વે વિકસાવેલ કુલ રાટ્રીય પેદાશ અને કુલ ઘરેલું પેદાશના ખ્યાલો બાદ તાજેતરમાં વિકાસ પામેલ માનવ વિકા આંક અને તેને સંબંધિત અન્ય સૂચક આંકના ખ્યાલો આર્થિક વિકાસના પ્રશ્નોના પૃથ્થકારણ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વના ઓજારો પુરવાર થયા છે. પ્રો. મહેબુબ ઉલ હકના શબ્દોમાં કહીએ તો “વિકાસનો હેતુ પ્રજાને લાંબુ આયુષ્ય તથા વધુ ઉત્પાદકીય અને વધુ સુખમય જીવન જીવવામાં સહાયભૂત થવાનો છે. આવું એક સરળ પરંતુ મજબૂત સત્ય ભૌતિક અને નાણાકીય સંપત્તિ પાછળની દોટમાં ઘણી વખત વિસારી દેવામાં આવે છે. આર્થિક વિકાસની જે પ્રક્રિયામાં માનવી કેન્દ્ર સ્થાને ન હોય તેવો વિકાસ આત્મા વિનનો વિકાસ છે.”