1992 માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પર્યાવરણ અને વિકાસ વિષયક રાષ્ટ્રીય સંમેલન, જેમાં વિશ્વના રાજનેતાઓ, બૌદ્ધિકો, અધિકારીઓ, પર્યાવરણવિદ્દો, પ્રબુદ્ધ નાગરિકો હાજર હતા. ત્યાં 5000 માઈલ દૂરથી આવેલ એક 13 વર્ષની બાળકીએ પોતાના પર્યાવરણ પ્રત્યેના જે વિચારો વ્યક્ત કર્યા જેણે યુનોની મહાસભામાં ઉપસ્થિત મહાનુભાવોને વિચારતા, સ્તબ્ધ અને નિ:શબ્દ કરી દીધા. 12 થી 14 વર્ષના વયજૂથના બાળકો દ્વારા સંચાલિત બાળ પર્યાવરણ સંસ્થાનની પ્રતિનિધિ તરીકે આવેલી બાલિકા સુઝુકીએ તેના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘તેમને કોઈ ચૂંટણી હારવાની કે સ્ટોક માર્કેટમાં પૈસા ગુમાવવાની ચિંતા નથી પણ તેઓ તેમની પેઢીના અસ્તિત્વ માટે લડી રહ્યાં છે. દુનિયાના પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ તેની વેદના હતી કે આ જ રીતે આપણું પર્યાવરણ પ્રદુષિત થશે, ઈકો સિસ્ટમને વિપરીત અસર થશે, પ્રકૃત્તિની અલભ્ય સંપદાનો નાશ થશે તો નવી પેઢી માટે શું બચશે? અમારા દાદા-દાદી, નાના-નાની, માતા-પિતાએ જે પક્ષી, વનસ્પતિ, જીવસૃષ્ટિ, પ્રજાતિઓની વાતો કરી હતી તેમાંથી કેટલીક તો આજે જોવા પણ મળતી નથી. વિકાસ અને પ્રવાસનના નામે આપણે વન્યજીવો શાંતિથી, નિર્ભય રીતે ફરી શકે એવી જગ્યા છોડી નથી. ઓઝોન આવરણમાં બદલાવના કારણે તાપમાન વધ્યું છે. વાયુ, હવા, ધ્વનિ અને જળમાં પ્રદૂષણના કારણે વન્ય, દરિયાઈ અને આકાશમાં વિહરતી જીવસૃષ્ટિ પર ખતરો ઉભો થયો છે. પાણી, ઉર્જા, તેલ, ગેસ, ખનીજ, વન્ય સંપદાનો આજ રીતે અવિવેકપૂર્ણ ઉપયોગ થશે તો આગામી પેઢી માટે શું બચશે? હવે પછીની પેઢી એ જોઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે. સંમેલનમાં ઉપસ્થિત વડીલોએ આ વાત એમના બાળપણમાં વિચારી હોત તો પરિસ્થિતિ કંઇક અલગ હોત. એમની નજર સમક્ષ બધું બન્યું, પણ રોકી ન શક્યા. શું નવી પેઢી મૂકદર્શક બની આ બધું આગળ પણ ચાલવા દે તે યોગ્ય છે? એક શેરીમાં રહેતું સામાન્ય પરિવારનું બાળક પણ એવી ઈચ્છા રાખે છે, સપનાં જુએ છે કે તેની પાસે પૈસા આવશે તો તે સમાજના વંચિત બાળકો માટે ભોજન, કપડાં, દવાઓ, આશ્રયસ્થાન, શિક્ષણ, પ્રેમ અને હુંફની વ્યવસ્થા કરશે. જેની પાસે કશું નથી તેવું શેરીનું બાળક પણ આવું વિચારી શકતું હોય તો જેમની પાસે બધું જ છે, તેઓ કેમ લોભી બનતા જાય છે? બાળપણથી જ ઘરમાં અને શાળામાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા પ્રાણી માત્ર પ્રત્યે કરુણા, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, બીજાઓ પ્રત્યે આદર, વહેંચીને ખાવું, હળીમળીને રહેવું, સત્ય બોલવું જેવી વાતો શીખવવામાં આવે છે, તો સમાજમાં, રાજકારણમાં, ધર્મમાં, વ્યવસાયમાં કેમ અલગ મૂલ્યો અને વર્તન જોવા મળે છે? આપણું વર્તન જ આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. ઉપરોક્ત ફકરાને ધ્યાનથી વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો: