‘ભાઈ ! એ વાત કહેવાય એવી નથી. એમાં વારે વારે શું પૂછે છે ? એકવાર કહ્યું કે કોઈ વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! એવી વાત શી છે ? કહો તો ખરા ? મારાથી એવું શું ખાનગી છે ?’‘ખાનગી કે બાનગી; તારાથી કે મારાથી. મેં તને કહ્યું ને કે, એ વાત કહેવાય એવી નથી.’‘પણ એવી તે વાત કેવી કે મનેય ન કહેવાય?’‘ભાઈ ! ન કહેવાય. તને શું, કોઈનેય ન કહેવાય. ઈ વાત કોઈને કહેવાય એવી નથી. માણસ હોય તો સાનમાં સમજે. કંઇક ન કહેવાય એવું હશે ત્યારે ને ?’‘ભાઈ ! મારાથી તો કાંઈ સંતાડવું નથી ને ?’એમાં સંતાડવાનું ક્યાં છે ? હું તો કહું છું કે ઈ વાત કહેવાય એવી નથી.’‘કીધે શી ખોટ જાય એમ છે ? કહેવાય એવી વાત નથી તે કાંઈ ચોરની વાત છે કે કાંઈ મોળી વાત છે ?’‘કોણ કહે છે ખરાબ વાત છે ? કોણ કહે છે ચોરની વાત છે ? મેં ક્યાં કહ્યું કે મોળી વાત છે ? ’‘પણ ભાઈ, ન કહેવાનું કારણ હોય ને ? કાંઈ વિના કારણે ન કહેવાય એમ હોય ?’‘કારણે હોય ને બારણે હોય; હોયે તે ને નયે હોય !’‘છે જ એવું. વાત જ કહેવાય એવી નથી.’‘ભાઈ ! મને તો કહે ? હું કોઈને નહિ કહું.’‘એમાં એ કોઈને કહેવાની વાત ક્યાં છે ? તું કોઈને કહી દઈશ એમ પણ ક્યાં છે ?’‘ત્યારે મારા ઉપર એટલો વિશ્વાસ નથી ?’‘અરે, ભલી બહેન ! વિશ્વાસનું ક્યાં કૂટે છે ? આ તો વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! વાતમાં એવું તે શું બળ્યું છે ? વાત કાંઈ એમ કહે છે કે “હું કહેવાઉં એવી નથી?”‘બાપુ ! એવું કાંઈ નથી. હું તો આ ઘડીએ કહું, પણ વાત કહેવાય એવી નથી.’‘પણ કો’ક જાણી જાય એની બીક છે ? કો’ક જાણી જાય તો વઢે એમ છે ?કોઈને કાંઈ થાય એમ છે ?’‘એવું કાંઈ નથી. કોઈ વઢતુંયે નથી ને કાંઈ બીકે નથી... વાત એવી બની છે કે... પણ એમાં કહેવા જેવું છે શું ? વાત છે છેક માલ વિનાની, પણ કહેવાય એવી નથી.’‘આ તો ભાઈ, નવાઈની વાત ! માલ વિનાની વાત ને પાછી કહેવાય એવી નહિ ! ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? જેની હોય એને પૂછીને કહે; પછી છે કાંઈ ?’‘એમાં કોઈને પૂછવાનું ક્યાં છે ? મને જ થાય છે કે વાત કહેવાય એવી નથી.’‘પણ ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? કોઈ વાતે ?’‘પણ બહેન ! કહીને શો ફાયદો ? કામ વિનાની વાત; દમ વિનાની વાત; છોકરવાદીની વાત. એમાં કહેવું’તું શું ? કહેવા જેવી નહિ હોય ત્યારે નહિ કહેતા હોઈએ ને ?’‘પણ આટલો મોટો ભાવ શાનો ખાય છે' કહીએ છીએ કે બાપુ કહે ને !‘એમ ? કહું ત્યારે ? પણ કોઈને કહેતી નહિ હો !’‘એ તો એમ થયું કે કુસુમબહેન મારા બૂટમાં કાગળના ડૂચા ભર્યા હતા !’‘ઓ હો હો હો ! આ તો ભારે વાત !’