Gita As It Is
(Open Project- No Copy right)
Gujarati Translation (arth) Only
Word File (Word -Document)
Open Project
By-
Anil Shukla
and
Sombhai Patel
Gita
Bhagvad Gita
Shrimad Bhagvad Gita
As it is-In Gujarati
ગીતા
ભગવદ ગીતા
શ્રીમદ ભગવદ ગીતા
તેના મૂળ રૂપે-ગુજરાતીમાં
(ગુજરાતી અનુવાદ)
Open Project
By-
Anil Shukla
and
Sombhai Patel
અધ્યાય-૧-અર્જુન વિષાદ યોગ |
ધૃતરાષ્ટ્ર બોલ્યા -
હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? (૧)
સંજય બોલ્યા -
હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા. (૨)
હે આચાર્ય, આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. (૩)
એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ, મહારાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે.(૪-૫)
પાંડવોની સેનામાં વિક્રાન્ત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રો - એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે. (૬)
હવે હે દ્વિજોત્તમ, આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. આપણી સેનામાં તમારા ઉપરાંત પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે.
એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય, શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે, જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. (૭-૮-૯)
પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે,જયારે આપણી સાથેની તુલનામાં,
ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે. (૧૦)
એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી
સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. (૧૧)
તે સમયે વરિષ્ટ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો, જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ. તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ, નગારા, ઢોલ વગેરે વગાડ્યા. (૧૨-૧૩)
એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો. એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. (૧૪)
ભગવાન ઋષિકેશે (શ્રી કૃષ્ણે) પાંચજન્ય શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો.
ભીમે પોતાનો પૌડ્રક નામના શંખનો ધ્વનિ કર્યો.(શંખ વગાડ્યો) (૧૫)
કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો,
નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. (શંખ વગાડ્યો) (૧૬)
ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન્ય, વિરાટરાજ, અજેય એવા સાત્યકિ, મહારાજા દ્રુપદ, અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. (૧૭-૧૮)
શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો.
એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના (કૌરવોના) હૃદયમાં જાણે હલચલ થઈ. (૧૯)
અર્જુને, કે જેના રથ પર હનુમાનજી વિરાજમાન હતા,
તેણે પોતાનું ગાંડિવ (ધનુષ્ય) તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું.(૨૦)
હે અચ્યુત (હે કૃષ્ણ), મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો
જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું.
મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે.અને કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે? (૨૧-૨૨-૨૩)
સંજય કહે છે-હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશ (અર્જુન)ના વચનો સાંભળી
ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો.
રથ જ્યારે પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે
ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન, વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે. (૨૪-૨૫)
પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ, પિતામહ, આચાર્ય, મામા, પુત્ર, પૌત્રો, મિત્રો, સ્નેહીજનો તથા હિતચિંતકોને ઊભેલા જોયા. (૨૬)
એ બધા ને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. વિષાદથી ભરેલ મને એણે, ભગવાન કૃષ્ણને કહ્યું,(૨૭)
હે કૃષ્ણ, યુદ્ધ ભૂમિમાં હું સગાં સંબંધી અને હિતેચ્છુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું.
એમની સાથે યુદ્ધ કરવાની માત્ર-કલ્પના કરતાં જ,
મારાં અંગ ઠંડા પડી રહ્યા છે, મારું મોં સુકાઈ રહ્યું છે,
મારું શરીર અને અંગેઅંગ કાંપી રહ્યા છે.
મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે.
મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું મને લાગે છે.
મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી. (૨૮-૩૦)
હે કેશવ, મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.
મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું,
હે કૃષ્ણ, મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે,
ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. (૩૧-૩૨)
હે ગોવિંદ, સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે ?
અરે, તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે ?
જેને માટે(મારા ગુરુજન, પિતા, પુત્ર, પૌત્રો, શ્વસુર પક્ષના સગાસંબંધીઓ) આ વૈભવ, રાજ્ય અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે. (૩૩-૩૪)
આ બધાને ત્રિભુવનના (ત્રણે ભુવન ના) રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી
તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ? ભલેને તેઓ અમને મારી નાખે.(૩૫)
ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને શું પ્રસન્નતા મળશે.
હે જનાર્દન, સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે.
એટલે એમને મારવા ઉચિત નથી. એમને મારી ને હું કેવી રીતે સુખી થઈશ? (૩૬-૩૭)
હે માધવ, એમની (દુર્યોધન અને કૌરવોની) મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે.
પોતાના કુળનો વિનાશ કરવામાં તથા
મિત્રોનો દ્રોહ કરવામાં એમને
કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી.(૩૮)
પરંતુ હે જનાર્દન, અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ.
એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ.
કુળનો વિનાશ થતાં કુળધર્મોનો નાશ થાય છે. અને કુળધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે. (૩૯-૪૦)
અધર્મ વ્યાપવાથી કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે. અને હે વાષ્ણેય(કૃષ્ણ), એવું થવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે. વર્ણધર્મનો નાશ થતાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. (૪૧)
એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતાં નથી. એથી પિતૃઓની દુર્ગતિ થાય છે.
તેમનો ઉદ્ધાર ન થવાથી તેઓ નરકમાં જાય છે.
કુલધર્મ અને વર્ણધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે,
એવું મેં સાંભળ્યું છે. એથી
હે કેશવ, મને સમજાતું નથી કે અમે આવું પાપકર્મ કરવા માટે શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ?
રાજ્ય અને સુખ મેળવવા માટે અમારા જ સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ ? (૪૨-૪૫)
મને લાગે છે કે યુદ્ધ કરવા કરતાં તો બહેતર છે કે
હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં. ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિઃશસ્ત્ર અવસ્થામાં યુદ્ધભૂમિમાં મારી નાખે. (૪૬)
સંજય કહે છે
એમ કહીને ઉદ્વિગ્ન મનથી ભરેલ અર્જુન પોતાના ગાંડિવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો.(૪૭)
અધ્યાય -૧ -અર્જુન વિષાદ યોગ-સમાપ્ત
અધ્યાય-૨-સાંખ્ય યોગ |
સંજય કહે છે-
આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને, મધુસૂદને (કૃષ્ણે) આમ કહ્યું.(૧)
હે અર્જુન, યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે.
કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,
આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. (૨)
હે પાર્થ, તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)
અર્જુન કહે છે
હે મધુસૂદન, હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ?
હે અરિસૂદન, મારે માટે બંને પૂજનીય છે. (૪)
ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં
ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે.
વળી એમને મારીને મને શું મળશે - ધન અને ભોગ-વૈભવ જ ને ? (૫)
મને તો એ પણ ખબર નથી પડતી કે -યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને
એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે - અમારી જીત કે કૌરવોની. ??
કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે
એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે. (૬)
મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે, મારે શું કરવું જોઈએ ?
એ મારી સમજમાં નથી આવતું. એથી હે કેશવ,
હું આપને પૂછું છું કે -મારે માટે જે સર્વપ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો.
હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું. (૭)
સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.(૮)
સંજય કહે છે- હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત (ચૂપ) થયો. (૯)
ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મિત કરતાં હૃષિકેશે આમ કહ્યું. (૧0)
હે અર્જુન, તું જેનો શોક કરવો યોગ્ય નથી,તેનો શોક કરે છે,અને વિદ્વતાનાં વચનો બોલે છે.
પંડિતો જીવતાં હોય કે મૃત્યુ પામ્યા હોય - એ બંને માટે આંસુ નથી વહાવતા.
જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે. (૧૧)
અને વળી એવું થોડું છે કે-ભૂતકાળમાં, મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય,અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ ન હોય ? (૧૨)
જેવી રીતે મનુષ્ય નો દેહ (શરીર) બાળક બને છે, યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે
તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.
એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા. (૧૩)
હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી. એથી હે ભારત, એને સહન કરતા શીખ. (૧૪)
જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે
તે મોક્ષનો અધિકારી થાય છે. (૧૫)
અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો
તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે. (૧૬)
જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)
આ દેહ તો ક્ષણભંગુર છે, વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે.
એનો ન તો અંત આવે છે, કે ન તેને કોઈ મારી શકે છે. એથી હે ભારત, તું યુદ્ધ કર. (૧૮)
જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે,
તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. (૧૯)
આત્મા તો અજન્મા, અવિનાશી અને અમર છે.
શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી. (૨૦)
હે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, નિત્ય અને અજન્મા માને છે
તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે ? અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે ? (૨૧)
જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે,
તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. (૨૨)
આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન અગ્નિ બાળી શકે છે,
ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે. (૨૩)
આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહીં તેવો છે.
આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે, અંતહીન છે, શાશ્વત છે. (૨૪)
આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે. આત્મા અવિકારી છે,
હંમેશ માટે એક સરખો રહેનાર છે. એથી હે પાર્થ, તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.(૨૫)
હે મહાબાહો, જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી (૨૬).
કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે. એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે. એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી. (૨૭)
હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે. તો પછી એને માટે તું કેમ શોક કરે છે ? (૨૮)
કોઈ આત્માને અચરજથી જુએ છે, કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે, પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે. (૨૯)
હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.(૩૦}
હે પાર્થ, તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર. તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી. (૩૧)
હે અર્જુન, સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. (૩૨)
જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. (૩૩)
લોકો તારી બદનામી કરશે, તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં. તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે. (૩૪)
આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.(૩૫)
તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે. એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે ? (૩૬)
હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ.એથી હે કૌન્તેય, ઉઠ. (૩૭)
સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન.
એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય. (૩૮)
મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી. હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. (૩૯)
કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.આ ધર્મ નું થોડું પણ આચરણ
મોટા ભય થી મનુષ્ય ને બચાવે છે. (૪૦)
જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે.
જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે). (૪૧)
હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને (કર્મ-કાંડને) જ સર્વ કાંઈ માને છે,
(સ્વર્ગ અને સ્વર્ગ નાં સુખો ને જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે અને બીજું કાંઇ ઉત્તમ નથી તેમ બોલે છે) તેઓ દુન્યવી ઈચ્છાઓમાં (વાસનાઓમાં) ફસાયેલ હોય છે.
એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે.
ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે. એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને પ્રભુની (સમાધિદશાની) પ્રાપ્તિ કરી શકતા નથી. (૪૨-૪૩-૪૪)
વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. હે અર્જુન, તારે એ ત્રણે ગુણોથી પર - ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે. એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.(૪૫)
જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. (૪૬)
(એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. (ફળ પર માત્ર પ્રભુ નો અધિકાર છે)
જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. (૪૭)
એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા -
બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર.
આ રીતે કર્મ કરવાને (સમતા ને) જ યોગ કહેવામાં આવે છે. (૪૮)
આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી (૪૯)
અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ.
(કર્મ માં કુશળતા એ જ યોગ છે) કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.(૫૦)
જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે
જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે. (૫૧)
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે
ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે. (૫૨)
અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે.
જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ (યોગ-સ્થિતિ) કરી શકશે.(૫૩)
અર્જુન કહે છે
હે કેશવ, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? (એને કેવી રીતે ઓળખવો)
એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે ? (૫૪)
ભગવાન કહે છે
હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.(૫૫)
સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા (ઈચ્છા-તૃષ્ણા) કરે છે.
એનું મન રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. (૫૬)
સુખ કે દુઃખ - બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે. ગમતી-સારી વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન (સુખી) થાય છે કે-ન તો એના અભાવે (વસ્તુ ના મળે તો) વિષાદગ્રસ્ત (દુઃખી). તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે. (૫૭)
જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે. ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (૫૮)
જો વિષયોનો (ભોજન-વગેરેનો) ત્યાગ કેવળ બાહ્ય (બહાર નો ત્યાગ) હોય તો એવા ત્યાગ કર્યા છતાં
અંદરથી તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે.
પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઇચ્છાનો પણ અંત આવે છે. (૫૯)
હે કૌન્તેય, ઇન્દ્રિયો એટલી ચંચળ છે કે-
સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્ય ના મન ને પણ (પરાણે)
ઈન્દ્રિયો હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. (૬૦)
હે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ.
એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં (પ્રભુમાં) મન-બુદ્ધિને સ્થિર કરી શકશે. (૬૧)
વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને
એની જ કામના કર્યા કરે છે. (ભોગ-પદાર્થો ની ઈચ્છા-કામના થઇ ને કામ નો જન્મ થાય છે)
જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. (કામના-કામ માંથી ક્રોધ નો જન્મ) (૬૨)
ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે (ક્રોધ થી મૂર્ખતા નો જન્મ),
એને સારા-નરસાનું ભાન રહેતું નથી અને
એને સ્મૃતિભ્રમ થાય છે. (મૂર્ખતાથી સ્મૃતિનાશ થાય છે અને સ્મૃતિ નાશ થી બુદ્ધિ-નાશ થાય છે)
એવો ભ્રમિત ચિત્તવાળો (મન-બુદ્ધિ વાળો) મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. (૬૩)
જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને
અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. (૬૪)
એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ પ્રસન્નચિત થયેલા એવા પુરુષ ની બુદ્ધિ,
પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.(૬૫)
જેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ?
અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? (૬૬)
જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે.
એની બુદ્ધિનું હરણ કરી લે છે. (૬૭)
એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. (૬૮)
સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. (અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ - નિષ્ક્રિય રહેવાનો સમય છે).
એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે
(અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે
પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે).(૬૯)
જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે
તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે.
(એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.(૭૦)
એથી હે અર્જુન, બધી જ કામનાઓનો ત્યાગ કર. જે મનુષ્ય મમતા, અહંકાર અને બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે. હે અર્જુન, એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે. (૭૧)
એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગપદાર્થોથી કદી મોહિત નથી થતો અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.(૭૨)
અધ્યાય -૨- સાંખ્ય યોગ- સમાપ્ત
અધ્યાય -૩ - કર્મયોગ |
અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? (૧)
તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે.
કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.(૨)
શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો - જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યા.(૩)
સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે
યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે. (૪)
કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી.
કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી.
કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે પ્રવૃત થાય છે.(૫)
જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને
મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. (૬)
મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. (૭)
તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે
કર્મ ન કરવા (કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. (૮)
જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે. એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ અનાસક્ત (અલિપ્ત) રહીને કર (૯)
.
બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે
‘યજ્ઞ (કર્મ) કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ (કર્મ) તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’ (૧૦)
યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે.
એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. (૧૧)
યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે.
એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. (૧૨-૧૩)
શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. (૧૪)
પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. (યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે)
હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે
પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. (૧૬)
પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે,
તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. (૧૭)
એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી.
એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. (૧૮)
એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. (૧૯)
મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.(૨૦)
શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. (૨૧)
એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી
છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. (૨૨)
કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે.
અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. (૨૩-૨૪)
હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.(૨૫)
જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું પણ સાથે સાથે જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. (૨૬)
સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતાં હોય છે. છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. (૨૭)
હે મહાબાહો, પ્રકૃતિના ગુણસ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. (૨૮)
તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિભાવે કરે છે તેમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી. (૨૯)
હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી, આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને
અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.(૩૦)
જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. (૩૧-૩૨)
દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.(૩૩)
પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. (૩૪)
એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ (સંન્યાસીના) કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.(૩૫)
અર્જુન કહે છે-હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ? (૩૬)
શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે.(૩૭)
જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. (૩૮)
એથી હે કૌન્તેય, અગ્નિ ના સમાન જેની કદી તૃપ્તિ થતી જ નથી
એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના જ્ઞાન ને ઢાંકી દે છે,જ્ઞાનીઓ ના તે સૌથી મોટા દુશ્મન છે. (૩૯)
મન, બુદ્ધિ અને ઈન્દ્રિય, એ કામ નું નિવાસ સ્થાન છે,આ કામ મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો ને પોતાના વશ કરી ને, જ્ઞાન અને વિવેક ને ઢાંકીને મનુષ્ય ને ભટકાવી મુકે છે..(૪૦)
એથી હે અર્જુન, સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી, જ્ઞાન અને વિવેક ને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ. (૪૧)
મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે. પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે. બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. (૪૨)
એથી આત્મતત્વને સૌથી બળવાન માની,બુદ્ધિ વડે મન ને વશ કરી, આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.(૪૩)
અધ્યાય -૩ - કર્મયોગ- સમાપ્ત
અધ્યાય-૪--જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ |
શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.
પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૧-૨-૩)
અર્જુન કહે છે-હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ? (૪)
શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.(૫)
હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. (૬)
હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું.(૭-૮)
મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. (૯)
જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે અનન્યભાવથી મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.(૧૦)
હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. (૧૧)
આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે
કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. (૧૨)
વર્ણોની રચના (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે.
એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)
કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. (૧૪)
પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.(૧૫)
કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. હું તને કર્મ વિશે સમજાવું જેથી તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. (૧૬)
કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. (૧૭)
જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. (૧૮)
જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)
જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.(૨૦)
જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. (૨૧)
કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. (૨૨)
જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે,
તેના બધા જ કર્મો નાશ પામે છે.(૨૩)
કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૨૪)
કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ, (જ્ઞાનરૂપી યજ્ઞ માં )
બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.(૨૫)
કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે,
કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, (૨૬)
તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (૨૭)
કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. (૨૮)
કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. (૨૯)
કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.(૩૦)
હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? (૩૧)
વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)
હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. (૩૩)
આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. (૩૪)
હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા
અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)
જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)
જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે
જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)
જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)
શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે,
અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)
જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)
હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)
એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)
અધ્યાય -૪- જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત
અધ્યાય-૫-કર્મ-સન્યાસ-યોગ |
અર્જુને કહ્યું : હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મ ના ત્યાગ ના વખાણ કરો છો
અને બીજી તરફ કર્મયોગ ના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)
શ્રી ભગવાન બોલ્યા: કર્મો નો ત્યાગ અને કર્મયોગ બન્ને કલ્યાણકારક છે,પરંતુ એ બન્નેમાં
કર્મો ના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. (૨)
હે મહાબાહો ! જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો.
આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વરહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. (૩)
સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ
એમ કહેતા નથી.બન્નેમાંથી એક નું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળ ને પ્રાપ્ત કરે છે.(૪)
જે મોક્ષપદ જ્ઞાનયોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે,તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી
શકાય છે.એ માટે જ સાંખ્ય તથા કર્મયોગ ને જે એકજ સમજે છે તે સાચો જ્ઞાની છે.(૫)
હે મહાબાહો ! કર્મયોગ ના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠીન છે. જયારે કર્મયોગી
મુનિ જલદીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મ ને પામે છે.(૬)
કર્મયોગ ના આચરણ થી જેનું અંત:કરણ શુદ્ધ થઇ ગયું છે,જે મનને વશ કરનારો,ઈન્દ્રિયોને જીતનારો છે.અને જેનો આત્મા સર્વ ભૂતો નો આત્મા બની ગયો છે,તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી.(૭)
યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતાં,સાંભળતાં, સ્પર્શ કરતાં, સુંઘતાં,ખાતાં,પીતાં,ચાલતાં,
નિંદ્રા લેતાં,શ્વાસોશ્વાસ લેતાં,બોલતાં,ત્યાગ કરતાં,ગ્રહણ કરતાં (૮)
આંખ ઉઘડતાં મીંચતાં,હોવા છતાં,ઇન્દ્રિયો પોત પોતાના વિષય માં પ્રવૃત થાય છે એમ સમજીને
હું કંઈ કરતો નથી એમ નિશ્વયપૂર્વક માને છે.(૯)
જે મનુષ્ય ફળ ની ઈચ્છા નો ત્યાગ કરી સર્વ ફળ બ્ર્હ્માપર્ણ બુદ્ધિ થી કરે છે, એ કમળપત્ર જેમ પાણી
માં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ વડે લેપાતો નથી.(૧૦)
યોગીઓ માત્ર મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈઆત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે.(૧૧)
કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વશુદ્ધિના ક્રમથી થયેલી શાંતિને પ્રાપ્ત કરેછે.
જયારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે.(૧૨)
દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજા વાળા નગરમાં સુખપૂર્વક રહે છે.તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.(૧૩)
આત્મા દેહાદિક ના કર્તાપણાને ઉત્પન કરતો નથી,કર્મોને ઉત્પન કરતો નથી કે કર્મફળ ના સંયોગ ને
ઉત્પન કરતો નથી,પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે.(૧૪)
પરમેશ્વર કોઈનાં પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી,પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે.
તેને લીધે સર્વ જીવો મોહ પામે છે.(૧૫)
વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને
પ્રકાશિત કરેછે.(૧૬)
તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.તેમનામાં જ તેમની સંપૂર્ણ
નિષ્ઠા છે. તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં પાપકર્મો નાશ પામેછે તેઓ
જન્મમરણના ચક્કર માં પડતા નથી.(૧૭)
જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત,બ્રાહ્મણ,ગાય,હાથી,કુતરો,ચંડાળ વગેરે
સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે.(૧૮)
જેમનું મન સમત્વ(પરમાત્મા) માં રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે.
કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.(૧૯)
જેની બુદ્ધિ સ્થિર થયેલી છે,જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે એવો બ્રહ્મવેત્તા
મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામીને દુઃખી થતો નથી.(૨૦)
ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને
પામે છે.એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખ નો અનુભવ કરે છે.(૨૧)
હે કાંન્તેય ! ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પતિ અને નાશ ને
વશ હોવાથી દુઃખના કારણરૂપ છે.એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.(૨૨)
શરીર નો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન થયેલા વેગને સહન કરી શકે છે તે
મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.(૨૩)
જે અંતરાત્મા માં સુખનો અનુભવ કરે છે તથા આત્મા માં જ રમણ કરે છે,જેના અંતરાત્મામાં જ્ઞાન રૂપી
પ્રકાશ પથરાઈ ગયો છે તે યોગી બ્રહ્મસ્વરૂપ બની પરબ્રહ્મમાં જ નિર્વાણ પામેછે.(૨૪)
જેના પાપાદિ દોષો નાશ પામ્યા છે,જેના સંશયો છેદાઈ ગયા છે,જેમનાં મન-ઇન્દ્રિયો વશમાં થઇ ગયા છે
અને જે પ્રાણીમાત્રના હિત માટે તત્પર છે,એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણને પામે છે.(૨૫)
જેઓ કામ-ક્રોધથી રહિત છે,જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે,અને જેઓ આત્મસાક્ષાત્કાર પામેલા છે એવા
યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે.(૨૬)
બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢીને તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને નાકની અંદર
ગતિ કરનારા પ્રાણ તથા અપાનવાયુને સમાન કરીને.(૨૭)
જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિ વશ કર્યા છે તથા જેનાં ઈચ્છા,ભય અને ક્રોધ દુર થયાંછે એવા મુનિ
મોક્ષપરાયણ છે તે સદા મુક્ત જ છે.(૨૮)
સર્વ યજ્ઞ અને તપનો ભોક્તા,સર્વ લોકોનો મહેશ્વર અને સર્વ ભૂતોનો પરમ મિત્ર હું જ છું.
એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે.(૨૯)
અધ્યાય-૫-કર્મ-સન્યાસ-યોગ-સમાપ્ત._
અધ્યાય-૬-આત્મ-સન્યાસ-યોગ |
શ્રી ભગવાન કહે: હે પાર્થ ! કર્મ ના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરેછે તેજ સંન્યાસી
અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને
ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)
હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ.મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય
કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઇ શકતો નથી.(૨)
જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે.
પરંતુ યોગપ્રાપ્તી થઇ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન
બની જાય છે.પછી તે કર્મફળ માં લુબ્ધ થતો નથી.(૩)
જયારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને
છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.(૪)
આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિ ના માર્ગે લઇ જવો નહિ,
કેમ કે આત્મા જ આત્માનો બન્ધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.(૫)
જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે,જીત્યો છે,તેનો આત્મા બન્ધુ છે.પરંતુ જેના આત્મા એ
ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે.(૬)
જેણે પોતાનું મન ટાઢ-તડકો,સુખ-દુઃખ,માન-અપમાન વગેરે માં એક સરખું રાખ્યુંછે ,
જે નિર્વિકાર રહેછે,તે સર્વ સ્થિતિ માં સમાન ભાવે રહે છે.(૭)
જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે,જે જીતેન્દ્રિય છે,જે માટી તથા સોનાને સરખું ગણે છે તે
યોગી “યોગસિદ્ધ “કહેવાય છે.(૮)
સુહ્યદ,મિત્ર,શત્રુ,ઉદાસીન,મધ્યસ્થ,દ્વેષ ને પાત્ર અને સંબંધીજનમાં,સાધુઓમાં કે પપીઓમાં
જે યોગીની સમબુદ્ધિ હોય છે,તે સર્વ માં શ્રેષ્ઠ યોગી છે.
માટે યોગીઓએ ચિત્ત ને તથા દેહ ને વશ કરી,આશારહિત અને પરીગ્રહરહિત થઈને ,
એકાંત માં નિવાસ કરી અંત:કરણને સદા યોગાભ્યાસ માં જોડવું.(૧૦)
યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ ,તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું.
એ આસન પર સ્થિરતાથી બેસવું,આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું.(૧૧)
તૈયાર કરેલા તે આસન પર બેસી ,ચિત્તને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,પોતાના અંત:કરણની
શુદ્ધિ માટે યોગ નો અભ્યાસ કરવો.(૧૨)
સાધકે સ્થિર થઈને પોતાનો દેહ,મસ્તક અને ડોકને સ્થિર રાખવાં,પછી પોતાની નાસિકના
અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી,આમતેમ ન જોતાં યોગનો અભ્યાસ શરૂ કરવો.(૧૩)
યોગીએ અંત:કરણ ને શાંત બનાવી,નિર્ભયતા પૂર્વક,બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી
મનનો સંયમ કરી,મારું ચિંતન કરતાં,મારા પરાયણ થઇ ધ્યાનમગ્ન રહેવું.(૧૪)
આ રીતે અંત:કરણ ને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને,સ્વાધીન મનવાળો યોગી
મારામાં સ્થિતિરૂપ પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે.(૧૫)
હે અર્જુન ! વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી.
તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી.(૧૬)
જેનો આહાર વિહાર યુક્ત હોય,જેનાં કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ
પ્રમાણસર ની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે.અને તેના દુઃખોનો નાશ કરી નાખેછે.(૧૭)
જયારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે,તેની સર્વ કામનાઓ નિ:સ્પૃહ
બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે.(૧૮)
જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી,તેમ સમાધિનિષ્ઠ યોગી નું મન
ચલિત થતું નથી.(૧૯)
યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત થાયછે,જયારે યોગી પોતાના નિર્મળ
થયેલાં અંત:કરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામેછે.(૨૦)
જયારે સુક્ષ્મબુધ્ધીથી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર
થયેલો યોગી બ્રહ્મ્સ્વરૂપમાંથી ચલિત થતો નથી.(૨૧)
આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો
આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી.(૨૨)
જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ
કહેવાય છે.આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દઢ નિશ્ચયથી સાધ્ય કરવો.(૨૩)
સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી ,મનથી જ સર્વ ઈન્દ્રિયોને સર્વ રીતે
જીતી ને (૨૪)
તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર
કરી બીજું કોઈ ચિંતન કરવું નહિ.(૨૫)
આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.(૨૬)
જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની
નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.(૨૭)
આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી ,જેમાં બ્રહ્મનો અનુભવ
રહેલો છે,એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.
જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગીપુરુષ સર્વ ભૂતોમાં પોતાના આત્મા ને અને પોતાના
આત્મામાં સર્વ ભૂતોને જુવેછે.(૨૯)
જે યોગી સર્વ ભૂતોમાં મને જુવે છે અને મારામાં સર્વ ભૂતોને જુવે છે,તેની દ્રષ્ટિ સમક્ષ
જ હું રહું છું.(૩૦)
જે યોગી એકનિષ્ઠાથી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે,તે કોઈ પણ રીતે વર્તતો હોય
તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે.(૩૧)
હે અર્જુન ! જે યોગી પોતાની જેમ જ સર્વ ને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિ
થી જુવે છે,તે મને પરમ માન્ય છે.(૩૨)
અર્જુન કહે: હે મધુસુદન !તમે જે સમદ્રષ્ટિ નો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની
ચંચળતા ને લીધે રહી શકે તેમ લાગતું નથી.
હે શ્રી કૃષ્ણ ! મન અતિ ચંચળ છે.તે કોઈ પણ કામના ને સિદ્ધ થવા દેતું નથી.તે બળવાન
અને અભેદ્ય છે.તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠીન છે,એવું મને લાગે છે.(૩૪)
શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠીન જ છે,
એ વાત નિ:સંશય હું માનું છું,પરંતુ હે કાંન્ન્તેય ! વૈરાગ્ય અને અભ્યાસ ના યોગ થી
તેને પણ સ્વાધીન કરી શકાય છે.(૩૫)
જે મન નો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી.જે અંત:કરણ
ને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરેછે,તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે.
એવો મારો મત છે.(૩૬)
અર્જુન કહે: હે શ્રી કૃષ્ણ ! જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી,જેનું મનઅંતકાળે
યોગ માંથી ચ્યુત થયું છે,એવા પુરુષ યોગસિધ્ધિ ન પામતાં કઈ ગતિ પામેછે?(૩૭)
હે શ્રી કૃષ્ણ ! મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને
માર્ગથી ભ્રષ્ટ થઇ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો?(૩૮)
હે શ્રી કૃષ્ણ ! મારી આ શંકા ને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો.આ શંકા ને દુર કરવા આપ
સિવાય બીજું કોઈ સમર્થ નથી.(૩૯)
શ્રી ભગવાન કહે: હે પાર્થ ! જે યોગની ઇચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોક થી
વંચિત રહેતો નથી.હે તાત ! સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી.(૪૦)
યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મ થી મળતાં સ્વર્ગાદિ સુખો પ્રાપ્ત કરી જયારે મૃત્યુલોક
માં આવેછે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે.
અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે,
કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)
એટલે પૂર્વ જન્મની યોગબુદ્ધિ નો તેનામાં જલ્દી વિકાસ થાય છે.અને તે મનુષ્ય
યોગ સિધ્ધિ માટે પુન: અભ્યાસ કરવામાં લાગી જાય છે.(૪૩)
ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તોયે પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે
તે યોગ તરફ વળે છે.યોગના જીજ્ઞાસુઓને વેદાચરણ ના ફળ કરતાં વિશેષ ફળ મળે છે.(૪૪)
કિન્તુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ
અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિ ને પ્રાપ્ત થાય છે.
તપસ્વી ,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાંયોગી વધુ શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન ! તું યોગી બન.(૪૬)
સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને
પરમ માન્ય છે.(૪૭)
અધ્યાય-૬-આત્મ-સન્યાસ-યોગ-સમાપ્ત
અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ |
ભગવાન કહે હે પાર્થ ! મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા
મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી,તો તે વિશે સાંભળ(૧)
હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ
જાણવાનું બાકી રહેતું નથી.(૨)
હજારો મનુષ્યોમાંથી કોઈક જ મનેપામવાનો યત્ન કરે છે.મારા માટે યત્ન કરવાવાળા
સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકેછે.(૩)
મારી પ્રકૃતિ ભૂમિ,જળ,વાયુ,તેજ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર
એમ આઠ ભાગ માં વિભાજીત થયેલી છે.(૪)
હે મહાબાહો ! એતો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે.એનાથી અલગ જે મારી
જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે.તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે.(૫)
આ બંને પ્રકૃતિઓથી જ સર્વ ભૂતોની ઉત્પતિ થયેલી છે.
એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વ ની ઉત્પતિ અને લય કરું છું.(૬)
હે ધનંજય ! મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી.દોરા માં જેમ મણકા
પરોવાયેલા હોય છે,તેમ આ સર્વ જગત મારા માં ઓતપોત થતું પરોવાયેલું છે.(૭)
હે કાંન્ત્તેય ! જળમાં રસ હું છું, સુર્ય-ચંદ્ર માં તેજ હું છું,સર્વ વેદો માં ઓમકાર પ્રણવ હું છું.
આકાશમાં શબ્દ અને પુરુષ નું પરાક્રમ હું છું.(૮)
તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું,અગ્નિમાં તેજ હું છું,સર્વ ભૂતોમાં જીવન હું છું અને
તપસ્વીઓનું તપ પણ હું જ છું.(૯)
હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું,બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું.(૧૦)
બળવાનો માં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું,હે ભરતશ્રેષ્ઠ ! ધર્મ વિરુદ્ધ જાય નહિ
તેવો સર્વ પ્રાણીઓમાં “કામ" પણ હું છું.(૧૧)
જે સાત્વિક,રાજસ અને તામસવિકારો છે તે પણ મારાથી ઉત્પન થયેલા છે,પરંતુ હું તેમાં
સમાયેલો નથી , તેઓ મારામાં સમાયેલા છે.(૧૨)
આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઇ ગયું છે,તેથી ગુણાતીત અને અવિનાશી
એવા મને એ જગત જાણતું નથી.(૧૩)
કેમકે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે.જે મનુષ્ય મારા
શરણે આવે છે તે જ એ માયા રૂપી નદીને તરી જાય છે.(૧૪)
આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે
તેવા પાપી,મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.(૧૫)
હે ભરતશ્રેષ્ઠ ! આર્ત ,જિજ્ઞાસુ,અથાર્થી અને જ્ઞાની, એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજેછે.(૧૬)
તેમાં જ્ઞાની જનો ,નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠા થી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.
આવા જ્ઞાની જનો ને હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.(૧૭)
એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે.એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત
પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮)
“અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે ” જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે,
એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે.(!(૧૯)
જે અજ્ઞાનીઓ નું પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ
થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)
જે ભક્ત , જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે, તેની તે શ્રદ્ધાને તે દેવતામાં
હું જ સ્થિર કરું છું.(૨૧)
એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે
કામનાઓ પૂર્ણ થાય છે.(૨૨)
અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોયછે.
દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે અને મારા ભક્તો મને પામે છે.(૨૩)
મારા ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો ,હું અવ્યક્ત
હોવા છતાં મને સાકાર માને છે.(૨૪)
હું યોગમાયાથી આવ્રાયેલો છું,આથી સર્વ ને સ્પષ્ટ પણે દેખાતો નથી.આથી મૂઢ મનુષ્યો
અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી.(૨૫)
હે અર્જુન ! પહેલાં થઇ ગયેલા , અત્યારે થઇ રહેલા અને હવે પછી થનારા સઘળા
ભૂતોને (પ્રાણીઓને ) હું જાણું છું,પરંતુ મને કોઈ જાણતું નથી.(૨૬)
હે પરંતપ ! ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન થયેલા સુખદુઃખ રૂપી મોહથી સર્વ ભૂતો
(પ્રાણીઓ) પ્રમાદી બનીને ઉત્પતિ સમયે ઘણી દ્વિઘા માં પડી જાય છે.(૨૭)
પરંતુ સતકર્મો ના પુણ્ય ભાવે જેનાં પાપો નાશ પામ્યાં છે, તે દઢ નિશ્વયી મનુષ્યો સુખદુઃખની
મોહજાળ થી મુક્ત થઇ ને મને ભજે છે.(૨૮)
જેઓ મારો આશ્રય કરી જરા-મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે, તેઓજ બ્રહ્મને જાણી શકે છે.
યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને પણ જાણે છે.(૨૯)
જે યોગી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહીત મને જાણે છે,તે સ્વસ્થચિત્ત પુરુષો
મરણ સમયે પણ મને જ જાણે છે.(૩૦)
અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ -સમાપ્ત.
અધ્યાય-૮-અક્ષર-બ્રહ્મ-યોગ |
અર્જુન કહે : હે પુરુષોત્તમ ! બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ
એટલે શું? અધિભૂત શાને કહે છે? અને અધિદૈવ કોને કહે છે?(૧)
હે મધુ સુદન ! આ દેહ માં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? જેણે અંત: કરણને જીતી લીધુછે ,
એવો યોગી મરણ સમયે તમને કેવીરીતે જાણે છે ? (૨)
શ્રી ભગવાન કહે છે : બ્રહ્મ અવિનાશી અને સર્વ શ્રેષ્ઠ છે. તેનો સ્વ-ભાવ અધ્યાત્મ છે.
પ્રાણીની ઉત્પતિ ને લીધે જે વિસર્ગ, દેવોને ઉદ્દેશી યજ્ઞમાં કરેલું દ્રવ્યપ્રદાન, તેને કર્મ કહે છે.(૩)
હે નરશ્રેષ્ઠ ! જે નાશવંત પદાર્થો છે તે અધિભૂત છે. પુરુષ ( ચૈતન્ય અધિષ્ઠાતા ) અધિદૈવ છે.
આ દેહમાં જે સાક્ષીભૂત છે તે હું અધિયજ્ઞ છું.(૪)
વળી જે અંત:કાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર નો ત્યાગ કરે છે,
તે મારા સ્વરૂપમાં સમાઈ જાય છે,તેમાં શંકા ને સ્થાન નથી.(૫)
અથવા હે કાંતેય ! જે મનુષ્યો મનમાં જે જે ભાવ રાખીને અંતે દેહ છોડે છે,
તે બીજા જન્મમાં તે તે ભાવથી યુક્ત થઈને તે જન્મે છે.(૬)
માટે હે પાર્થ ! મન અને બુદ્ધિને મારામાં અર્પણ કરીને સદૈવ મારું ચિંતન કર અને યુદ્ધ કર,
એટલે તે કર્મ મારામાં જ આવી મળશે તેમાં સંશય નથી. (૭)
હે પાર્થ ! પોતાના ચિત્તને ક્યાંય ન જવા દેતાં યોગાભ્યાસ ના સાધનથી
ચિત્તને એકાગ્ર કરીને જે મારું ચિંતન કરે છે, તે તેજોમય પુરુષમાં મળી જાય છે. (૮)
સર્વજ્ઞ ,સર્વના નિયંતા,આદિ,સુક્ષ્માતિસુક્ષ્મ ,સર્વના પોષક ,અચિંત્યરૂપ સૂર્ય જેવા તેજસ્વી અને
તમોગુણથી અલિપ્ત એવા દિવ્ય પરમ પુરુષનું ચિંતન કરેછે.(૯)
અંતકાળે જે મનુષ્ય મન સ્થિરકરી ભક્તિ વાળો થઈને યોગબળે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને
ઉત્તમ પ્રકારે સ્થિર કરે છે ,એ તે દિવ્ય પરમ પુરુષમાં લીન થઇ જાય છે.(૧૦)
વેદવેત્તાઓ જે પરમ તત્વને અક્ષર કહે છે, તે,જેમના કામ ક્રોધનો નાશ થયો છે એવા સંન્યાસી જે સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જેની પ્રાપ્તિ માટે બ્રહ્મચારીઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે પદને હું તને ટૂંક માં કહીશ.(૧૧)
જે ઈન્દ્રિયોરૂપી સર્વ દ્વારોનો નિરોધ કરી ,ચિત્તને હદયમાં સ્થિર કરી ,ભ્રુકુટી ના મધ્યભાગમાં
પોતાના પ્રાણવાયુને સ્થિર કરી યોગાભ્યાસમાં સ્થિર થાય.(૧૨)
બ્રહ્મવાચક એકાક્ષર ॐ નો ઉચ્ચાર કરીને મારું જે સ્મરણ કરતો દેહત્યાગ કરે છે તે ઉત્તમ ગતિને પામેછે.(૧૩)
હે પાર્થ ! જે યોગી એકાગ્રચિત્તે સદા મારું સ્મરણ કરે છે, જે સદા સમાધાન યુક્ત હોય છે ,
તેને હું સહજતાથી પ્રાપ્ત થાઉં છું.(૧૪)
એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી.(૧૫)
હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.
પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)
કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી
તેટલા જ સમય ની રાત્રિ આવે છે. આ વાત રાત્રિ-દિવસને જાણનારા મનુષ્યો જ જાણે છે.(૧૭)
દિવસ શરૂ થતાં અવ્યક્ત માંથી સર્વ ભૂતોનો ઉદય થાય છે.
અને રાત્રિ નું આગમન થતાં જ તે સર્વ અવ્યક્ત માં લય પામે છે.(૧૮)
હે પાર્થ ! તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે
અને રાત્રિ આવતાં લય પામે છે. અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.(૧૯)
સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી ,
એ, તે અવ્યક્તથી પર , ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.(૨૦)
જે અવ્યક્ત ભાવ અક્ષર સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.
જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.(૨૧)
હે પાર્થ ! જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે,
તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૨)
હે ભરતશ્રેષ્ઠ ! જે કાળે યોગીઓ મૃત્યુ પામી, પાછા જન્મતા નથી
અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે, તે કાળ હું તને કહું છું.(૨૩)
અગ્નિ ,જ્યોતિ,દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસ માં મૃત્યુ પામનાર
બ્રહ્મવેત્તાઓ બ્રહ્મ ને જઈ મળે છે.(૨૪)
ધૂમ્ર, રાત, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયન ના છ માસ માં મૃત્યુ પામનાર યોગી
ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન જતાં પાછા વળે છે.(૨૫)
આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી જનાર યોગીને પાછા ફરવું પડે છે.(૨૬)
હે પાર્થ ! આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી.
એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.(૨૭)
આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ , તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની પ્રાપ્તિ કહી છે, તે સર્વ પુણ્ય પ્રાપ્તિનું અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે.(૨૮)
અધ્યાય-૮-અક્ષર-બ્રહ્મ-યોગ સમાપ્ત.
અધ્યાય-૯-રાજવિદ્યા - રાજ ગુહ્ય યોગ |
શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન ! જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.
એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.(૧)
આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે, પવિત્ર છે, ઉત્તમ છે,
પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)
હે પરંતપ ! ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી
મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે.(૩)
હું અવ્યક્તરૂપ છું, સકળ જગત મારાથી વ્યાપ્ત છે. મારામાં સર્વ ભૂતો સ્થિત છે,
પરંતુ હું તેમનામાં સ્થિત નથી.(૪)
ભૂતો મારામાં નથી, એવી મારી ઈશ્વરી અદભૂત ઘટના જો. હું ભૂતોને ધારણ કરુંછું છતાં
ભૂતોમાં હું રહેતો નથી. મારો આત્મા ભૂતોની ઉત્પતિ અને સંરક્ષણ કરનારો છે.(૫)
જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ કાયમ આકાશ માં જ હોય છે,
તેમ સર્વ ભૂતો મારામાં સ્થિત છે એમ તું માન.(૬)
હે કાંતેય ! સર્વ ભૂતો કલ્પ ના અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને
કલ્પ ના આરંભમાં ફરી હું જ એને ઉત્પન કરું છું.(૭)
આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી પરતંત્ર એવા
આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન કરું છું.(૮)
હે ધનંજય ! કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.(૯)
હે કાંતેય ! મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન કરે છે.
એજ કારણ થી વિશ્વ ફરતું રહે છે.(૧૦)
મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.
હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)
તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને
મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.(૧૨)
હે પાર્થ ! જેમણે દૈવી પ્રકૃતિનો આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે
હું ભૂતોનો આદિ અને અવિનાશી છું. તેઓ એમ સમજીને જ મને ભજે છે.(૧૩)
નિત્ય ભક્તિપૂર્વક શમાદિ વ્રતોને દઢતાપૂર્વક પાળી તે મહાત્માઓ , નિરંતર મારું કીર્તન કરી તથા
ઇન્દ્રિય દમન અને નમસ્કાર કરતાં મારી જ ઉપાસના કરે છે.(૧૪)
જ્ઞાનયજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે.અને વિશ્વતોમુખે રહેલા
કેટલાક મનુષ્યો મારી એકરૂપથી, ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે.(૧૫)
અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ, વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ, પિતૃઓને અર્પણ થતું “ સ્વધા” અન્ન,
ઔષધ, મંત્ર, હુત્દ્રવ્ય, અગ્નિ અને હવનકર્મ હું જ છું.(૧૬)
આ જગતનો પિતા, માતા, પિતામહ એટલેકે કર્મફળ આપનાર બ્રહ્મદેવનો પિતા,
પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો, ઓમકાર, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું.(૧૭)
પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ ,જગતનો પોષણકર્તા, સર્વ નો સ્વામી ,પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી,
સર્વનું નિવાસસ્થાન,શરણાગત વત્સલ,અનપેક્ષ મિત્ર,જગતની ઉત્પતિ,પ્રલય રૂપ તથા
સર્વનો આશ્રય,નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું.(૧૮)
હે પાર્થ ! સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર અને રોકનાર હું છું, અમૃત હું છું, મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.(૧૯)
ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા,
યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાથના કરે છે અને
તેઓ દીક્ષિત પુણ્યનાપ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)
તેઓ વિશાળસ્વર્ગલોક નો ઉપભોગ કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે.આમ ત્રણ વેદમાં
નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ-મરણના ચક્કરમાં પડે છે.(૨૧)
જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે,
એ સર્વદા મારી સાથે નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું.(૨૨)
અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે.
હે કાન્તેય !તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.(૨૩)
કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી.
તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.(૨૪)
દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની
પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.(૨૫)
શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર,પુષ્પ,ફળ,જળ વગેરે અર્પણ કરે છે.
તે હું સાકારરૂપ ધારણ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું.(૨૬)
હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે,
તે સર્વ કંઈ મને અર્પણ કરી દે.(૨૭)
આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું
શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.(૨૮)
હું સર્વ ભૂતોમાં સમાન છું, મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી.
મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું.(૨૯)
અતિ દુરાચારી હોવા છતાં જે એકનિષ્ઠાથી મારું ભજન કરે તેને સાધુ સમજવો.કેમ કે તે યથાર્થ
નિશ્વયવાળો હોય છે.એટલેકે તે એવું માને છે કે પ્રભુભજન સિવાય અન્ય કઇ જ નથી.(૩૦)
હે કાન્તેય ! તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત, પરમ શાંતિ પામે છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી, એ તું નિશ્વયપૂર્વક જાણ.(૩૧)
સ્ત્રીઓ,વૈશ્ય , શુદ્ર વગેરે જે કોઈ પાપ યોનીમાં જન્મ્યા હોય તો પણ
હે પાર્થ ! તેઓ મારો આશ્રય કરે તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.(૩૨)
આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે
મને અતિ પ્રિય જ હોય. તેં આ નાશવંત અને દુઃખી એવા મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે,
તો મારું ભજન કર.(૩૩)
હે અર્જુન ! તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિષે પરાયણ થા તથા મને નમસ્કાર કર.
આ પ્રકારે મારા શરણ ને પ્રાપ્ત થયેલો તું તારા અંત:કરણને મારામાં યોજવાથી મને પામીશ.(૩૪)
અધ્યાય-૯-રાજવિદ્યા-રાજ ગુહ્ય યોગ સમાપ્ત.
અધ્યાય-૧૦- વિભૂતિયોગ |
શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! ફરીથી તું મારા પરમ વચનો સાંભળ; તને મારા ભાષણ થી
સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)
દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે
દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું.(૨)
જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી
ઓળખે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.(૩)
બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ, ઉત્પતિ, વિનાશ, ભય અભય અને.(૪)
અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન,યશ, અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો
પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન થાય છે.(૫)
પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઇ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો તથા ચૌદ મનુઓ મારામાં ભાવવાળા બધા જ મારા સંકલ્પથી ઉત્પન થયેલા છે. અને તેમનાથી જ જગતનાં સર્વ પ્રાણીઓ ઉત્પત્તિ થઇ છે.(૬)
જે પુરુષ મારી પરમ અશ્વર્યરૂપ વિભૂતિને એટલેકે મારા વિસ્તારને અને યોગશક્તિને (ઉત્પન કરવાની શક્તિને) તત્વથી જાણે છે તે પુરુષ નિશ્વલ ધ્યાનયોગથી મારામાં ઐક્ય ભાવથી સ્થિત થઇ સમ્યગદર્શન ના યોગવાળો થાય છે, એમાં સંશયને સ્થાન નથી.(૭)
હું – શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય છે. એમ તત્વથી જાણીને શ્રદ્ધા- ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો મને –પરમેશ્વરને નિરંતર ભજે છે.(૮)
તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી, મારામય રહી મને સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન મારા વિષે બોધ આપતા ગુણ અને પ્રભાવ સાથે મારું કીર્તન કરતાં નિરંતર સંતુષ્ટ રહે છે અને મારામાં લીન રહે છે.(૯)
સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું તેવો બુદ્ધિયોગ આપું છું.(૧૦)
તેમના પર અનુગ્રહ કરવા તેમના અંત:કરણમાં ઐક્યભાવથી સ્થિત થઈને પ્રકાશિત તત્વજ્ઞાનરૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું.(૧૧)
અર્જુન કહે : હે વિભુ ! આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર છો. આપ સનાતન દિવ્ય પુરુષ, દેવાધિદેવ આદિદેવ, શાશ્વત અને સર્વવ્યાપક છો.(૧૨)
એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે. અ
ને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.(૧૩)
હે કેશવ ! આપ જે કંઈ મને કહી રહ્યા છો, તે સર્વ હું સત્ય માનું છું. હે ભગવાન ! દેવો અને દૈત્યો પણ આપનું સ્વરૂપ જાણી શક્યા નથી.(૧૪)
હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ ! હે જગતપતિ ! આપ સ્વયં આપના સામર્થ્યથી
આપને જાણો છો.(૧૫)
હે મહારાજ ! તમારી અનંત વિભૂતીઓમાંથી જેટલી વ્યાપક, શક્તિશાળી તથા તેજસ્વી હોય, તે બધી મને હવે જણાવો. હે અનંત ! તમારી જે વિભૂતિઓ ત્રણેલોકમાં વ્યાપ્ત થઇ રહી છે, તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે તે મને કહો.(૧૬)
હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? હે ભગવન્ ! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ? (૧૭)
હે જનાર્દન ! તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી વિસ્તારપૂર્વક કહો, કેમ કે તમારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી.(૧૮)
શ્રી ભગવાન કહે : હે કુરુશ્રેષ્ઠ ! હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી.(૧૯)
હે ગુડાકેશ ! સર્વ ભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું. સર્વ ભૂતોનો આદિ,મધ્ય અને તેનો અંત પણ હું છું.(૨૦)
હે પાર્થ ! અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નાક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું.(૨૧)
વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.(૨૨)
અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.(૨૩)
હે પાર્થ ! પુરોહીતમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ. સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું.(૨૪)
સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત ઓમકાર હું છું , સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું.(૨૫)
સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સીદ્ધોમાં કપિલમુનિ હું છું.(૨૬)
અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું, ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમાજ.(૨૭)
આયુધોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનું હું છું, પ્રજાને ઉત્પન કરનાર કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ સર્પ હું છું.(૨૮)
નાગોમાં નાગરાજ અનંત હું છું, જળદેવતાઓમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું અને નિયમન કરનારામાં યમ હું છું.(૨૯)
દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦)
પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, જળચરોમાં મગર હું છું અને નદીઓમાં ગંગા હું છું.(૩૧)
હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવીદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદવિવાદ કરનારાઓમાં વાદ હું છું.(૩૨)
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥१०-३३॥
અક્ષરોમાં ‘ અ ‘કાર હું છું, સમાસોમાં દ્વંદ સમાસ હું છું તથા અક્ષયકાળ અને વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ –પોષણ કરનારો પણ હું છું.(૩૩)
સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.(૩૪)
ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.(૩૫)
છલ કરનારાઓમાં ધૃત (જુગાર) હું છું, પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું, જીતનારાઓનો વિજય હું છું, નિશ્વય કરનારાઓનો નિશ્વય હું છું, સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું.(૩૬)
વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું.(૩૭)
દમન કરનારાઓની દમનશક્તિ હું છું, જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું.(૩૮)
હે અર્જુન ! સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.(૩૯)
હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કહી સંભળાવ્યો.(૪૦)
હે પાર્થ ! જે પણ વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે એમ તું જાણ.(૪૧)
અથવા હે અર્જુન ! મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે? હું આ સંપૂર્ણ જગતને મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું, માટે મને જ તત્વથી જાણવો જોઈએ.(૪૨)
અધ્યાય-૧૦ - વિભૂતિયોગ સમાપ્ત.
અધ્યાય-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ |
અર્જુન કહે હે : ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા
ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.(૧)
હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે
તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.(૨)
હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે.
પરંતુ હે પુરુષોત્તમ !હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.(૩)
હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો
હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪)
શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં
મારા સેંકડો અને હજારો નાના પ્રકાર નાં દિવ્ય રૂપોને નિહાળ.(૫)
હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નીહાળ
વળી પૂર્વે ન જોયેલંl એવા ઘણા આશ્વર્યોને તું જો.(૬)
હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો.
અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.(૭)
પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ.
તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)
સંજય કહે : હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું.
પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું.(૯)
અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું
અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.(૧૦)
દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું,
સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.(૧૧)
આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ
તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.(૧૨)
તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું
સર્વ જગત સ્થિત થયેલું જોયું.(૧૩)
ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી,
બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)
અર્જુન બોલ્યો : હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન સર્વના નિયંતા બ્રહ્માજીને, સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.(૧૫)
હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે. એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું, વળી આપનો આદિ, મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)
હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા, પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન, નિશ્વિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.(૧૭)
હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ અવિનાશી છો.
આપ સનાતન ધર્મ ના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)
હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા, ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા, પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા
આપને હું જોઈ રહ્યો છું.(૧૯)
હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને
ત્રણેલોક અત્યંત ભયભીત બની ગયંl છે.(૨૦)
આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે.
મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.(૨૧)
હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, ગંધર્વ, યક્ષ, અસુર,
સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મ્સ્ય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)
હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, ઘણી વિકરાળ દાઢોવાળા
આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)
હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ
તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વય થી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે. આથી મારું મન ધીરજ ન ધરવા થી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)
હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી. હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.(૨૫)
હે વિભો ! રાજાઓના સમૂહ સહીત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે.ભીષ્મ, દ્રોણાચાર્ય, સુતપુત્ર કર્ણ, અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ.(૨૬)
વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)
यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति ।तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११-२८॥
જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે,
તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)
જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે,તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)
હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.(૩૦)
હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)
શ્રી ભગવાન બોલ્યા : લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે
તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)
હે સર્વસાચિ ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગાવ.
તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)
દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ. ભયને લીધે તું વ્યથિત ન થા. હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)
સંજય કહે : ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી
ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)
અર્જુન કહે : હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસે છે અને બધા સિદ્ધો ના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.(૩૬)
હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો.
આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ?
આપ સત્ છો, આપ અસત્ છો. આપ તેનાથી ય પર છો. અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)
હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો અને આપ જ પરમ ધામ છો.(૩૮)
વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો.આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)
હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો.આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.(૪૦)
હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા ! એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો.(૪૧)
હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૧)
હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી.તો આપના થી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)
એટલા માટે હે ભગવન્ ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.(૪૪)
હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે. માટે હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાં નું મનુષ્ય સ્વરૂપ દેખાડો.(૪૫)
હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર ધારણ કરેલા જોવાની મારી ઈચ્છા છે. માટે આપ પહેલાં ની જેમ ચતુર્ભુજ સ્વરૂપ વાળા થવાની કૃપા કરો.(૪૬)
શ્રી ભગવાન કહે : હે અર્જુન ! તારા પર પ્રસન્ન થઈને મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને મારું આ પરમ તેજોમય, સમસ્ત, વિશ્વરૂપ , અનંત, અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.
મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)
હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)
મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા.તું ફરી ભય રહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)
સંજય કહે : આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને
ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી બતાવ્યું.
આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)
અર્જુન કહે : હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)
શ્રી ભગવાન કહે : મારું જે વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. દેવો પણ નિરંતર આ રૂપનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે.(૫૨)
તેં જે સ્વરૂપ વાળો હમણાં મને જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, ચન્દ્રાયણાદિ તાપથી, દાનથી અને યજ્ઞો થી પણ શક્ય નથી.(૫૩)
હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું
એક માત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે.(૫૪)
હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫)
અધ્યાય-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ-સમાપ્ત
અધ્યાય-૧૨-ભક્તિ યોગ |
અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે,
અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? (૧)
શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને
ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.(૨)
સર્વ જીવો (ભૂતો) નું હિત કરવા માં તત્પર અને સર્વ માં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો -
સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા ,અચિંત્ય,કુટસ્થ,
અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરેછે,તેઓ મને જ પામે છે.
નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટ થી એ
ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાયછે.(૩,૪,૫)
કિન્તુ જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી
અનન્ય શ્રધ્ધા ભાવ થી મારીજ ઉપાસના કરેછે તથા
જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી આ સંસાર માંથી તરત જ ઉદ્ધાર કરું છું.(૬,૭)
મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે સ્થિર કર તેમ કરવાથી આ દેહના
અંત પછી તું મારા વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.(૮)
હે ધનંજય, જો મારા સગુણ રૂપ માં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો -
અભ્યાસ ના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.(૯)
અભ્યાસ નો યોગ કરવા માં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે
મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિ ને પ્રાપ્ત કરીશ.(૧૦)
જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી-
મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.(૧૧)
અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને
ધ્યાન કરતાં કર્મ ના ફળ નો ત્યાગ શ્રેષ્ઠ છે કારણકે કર્મફળ ના ત્યાગથી શાંતિ શ્રેષ્ઠ છે.
આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે.(૧૨)
જે સર્વ ભૂતો નો દ્વેષ નથી કરતો પરંતુ સર્વ નો મિત્ર છે,જે કરુણા મય છે,જે મમતા રહિત
છે,જે અહંકાર રહિત છે,જે સુખ દુઃખ માં સમાન ભાવ રાખે છે ,જે ક્ષમાવાન છે,(૧૩)
જે સદા સંતુષ્ટ રહે છે,જે સ્થિર ચિત્ત છે,જેનું મન સંયમિત છે,જે દઢ નિશ્વયી છે અને જેણે પોતાનું
મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યાં છે એવો મારો ભક્ત મને પ્રિય છે.(૧૪)
જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકો ના સંસર્ગ થી જેને સંતાપ થતો નથી,
તેમજ જે હર્ષ ,અદેખાઈ ,ભય તથા ઉદ્વેગ થી મુક્ત છે તે મને પ્રિય છે.(૧૫)
મારો જે ભક્ત સ્પૃહારહિત ,આંતર-બાહ્ય રીતે પવિત્ર,દક્ષ,ઉદાસીન,વ્યથારહિત અને સર્વ
આરંભ નો ત્યાગ કરનારો છે તે મને પ્રિય છે.(૧૬)
જે હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી,જે ઈચ્છા કરતો નથી,જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો
ભક્તિમાન છે તે મને પ્રિય છે.(૧૭)
જે શત્રુ તથા મિત્ર માં સમાનભાવ રાખે છે,માન-અપમાન માં સમ છે ,ટાઢ-તડકો,
સુખ-દુઃખ માંસમ છે,તથા સંગ થી રહિત (આસક્તિ વગરનો) છે
અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે,જે મૌન ધારણ કરેછે,
જે કંઈ મળે તેમાં સંતુષ્ઠ રહેછે,જેનો નિવાસ સ્થિર નથી (સ્થળ ની આસક્તિ નથી)
જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.(૧૮,૧૯)
પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં
વર્ણવેલા ધર્મ રૂપ અમૃત નું સેવન કરેછે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.(૨૦)
અધ્યાય-૧૨-ભક્તિ યોગ-સમાપ્ત.
અધ્યાય-૧૩-ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ |
અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું.
(નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો
ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી)
ભગવાન કહે: હે કોંતેય !
આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય “ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.(૧)
હે ભારત ! સર્વ ક્ષેત્રો માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ.
ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે.(૨)
ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું?તેના વિકારો કયા? અને તે ક્યાંથી આવે છે? અને ક્ષેત્રજ્ઞ કોણ છે?
તેની શક્તિ ઓ શી? તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના સ્વરૂપ ને મારી પાસેથી ટૂંક માં સાંભળ.(૩)
આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નીરૂપેલું છે ,વિવિધ વેદોએ વિભાગ પૂર્વક કરેલું છે.
અને યુક્તિ થી યુક્ત તથા નિશ્વિત અર્થ વાળા બ્રહ્મસુત્ર ના પદો દ્વારા પણ વર્ણવેલું છે.(૪)
પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મહતત્વ, દશ ઇન્દ્રિયો, મન અને
ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયો ના શબ્દાદિક પાંચ વિષયો.(૫)
વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ-દુખ, સંઘાત,ચેતના,ધૈર્ય- એ વિકારો થી
યુક્ત આ ક્ષેત્ર (દેહ) છે તે મેં ટૂંક માં કહ્યું.(૬)
અમાનીપણું, અદંભીપણું ,અહિંસા, ક્ષમા,સરળતા, આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા,
અને આત્મ સંયમ; (૭)
ઇન્દ્રિયાદી વિષયો માં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ
તથા દુઃખો પ્રત્યે ના દોષો જોવા; (૮)
પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ, અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની તથા અનિષ્ટની
પ્રાપ્તિ માં સદા સમાનભાવ રાખવો; (૯)
મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી, એકાંતવાસ પર પ્રેમ અને
લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી. (૧૦)
અધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે.
આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. (૧૧)
જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું,
તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.(૧૨)
તેને સર્વ તરફ હાથ,પગ,નેત્ર,શિર,મુખ અને કાન છે અને એવા સર્વજ્ઞ શક્તિમાન રૂપે આ લોકમાં,ચરાચર જગતમાં,તે સર્વત્ર વ્યાપેલું છે.(૧૩)
તે સર્વ ઇન્દ્રિયો નું જ્ઞાન કરાવનાર હોવા છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.તે ક્યાંય આસક્તિ રાખતો નથી.
છતાં સર્વ ને ધારણ કરે છે.તે ગુણ રહિત હોવા છતાં ગુણ નો ઉપભોગ કરે છે.(૧૪)
તે જ્ઞેય ભૂતોની બહાર અને અંદર તેમજ સ્થાવર રૂપ તથા જંગમ પ્રાણી સમુદાય રૂપ છે.તે સૂક્ષ્મ હોવાથી
જાણી શકાય તેવું નથી તથા દુર રહેલું છે અને અત્યંત સમીપ માં છે.(૧૫)
અને તે બ્રહ્મ સર્વ ભૂતો માં એક છે, છતાં જાણે ભિન્ન હોય એવી રીતે રહેલું છે.તે સર્વ ભૂતોને ધારણ કરનાર,પ્રલયકાળે સર્વ નો સંહાર કરનાર તથા સર્વ ને ઉત્પન્ન કરવાના સામર્થ્યવાળું જાણવું.(૧૬)
તે બ્રહ્મ ચંદ્ર-સુર્યાદિક ને પણ પ્રકાશ આપેછે.તે અજ્ઞાનરૂપી અંધકારની પેલી બાજુએ છે એમ જાણવું.તે જ્ઞાન સ્વરૂપ,જ્ઞેય સ્વરૂપ તથા જ્ઞાનથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે જ સર્વ ના હૃદય માં વિધમાન છે.(૧૭)
એ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન અને જ્ઞેય તને ટુંકાણમાં સંભળાવ્યાં.એમને જાણવાથી મારો ભક્ત મારા ભાવને (સ્વ-રૂપને) પ્રાપ્ત કરે છે.(૧૮)
ક્ષેત્રરૂપ પરાપ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞરૂપ અપરા પ્રકૃતિ બંનેને પણ તું નિત્ય જ જાણ,તથા વિકારો અને ગુણોને
પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ.(૧૯)
કાર્ય કરણ ના કર્તાપણામાં પ્રકૃતિ કારણ કહેવાય છે.
સુખ-દુઃખોના ભોક્તાપણમાં ક્ષેત્રજ્ઞ આત્મા કારણ કહેવાય છે.(૨૦)
ક્ષેત્રજ્ઞ પ્રકૃતિમાં રહેલો,પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખદુઃખાદિક ગુણોને ભોગવે છે.એ પુરુષના સારીનરસી યોનિમાં જન્મનું કારણ ગુણનો સંગ જ છે.(૨૨)
આ દેહ માં સર્વ ભિન્ન પુરુષ સાક્ષી અને અનુમતિ આપનારો ભર્તા અને ભોક્તા,મહેશ્વર અને પરમાત્મા
એ નામ વડે પણ કહ્યો છે.(૨૩)
જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞ ને સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે,તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં
ફરીથી જન્મ પામતો નથી. (૨૪)
કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને
બીજાઓ કર્મયોગ વડે પોતામાં આત્મા ને જુવે છે. (૨૫)
વળી બીજા એ પ્રમાણે આત્માને નહિ જાણતાં છતાં બીજાઓથી શ્રવણ કરી આત્માને ઉપાસે છે.
તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુ ને તરી જાય છે.
સ્થાવર અને જંગમ,કોઈ પણ પ્રાણી,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ના સંયોગ થી પેદા થાય છે.(૨૬)
વિનાશ પામનારાં સર્વ ભૂતોમાં સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વર ને જે જુવે છે તે યથાર્થ જુવેછે.
અને તે જ ખરો જ્ઞાની છે. (૨૭)
સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્મા ને હણતો નથી.
તેથી પરમગતિ ને પામે છે.(૨૮)
તથા પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે,એમ જે જુવે છે,તેમજ આત્માને અકર્તા જુવે છે
તે યથાર્થ જુવે છે.(૨૯)
જયારે મનુષ્ય સર્વ ભૂતોના ભિન્નપણા ને એક આત્મામાં રહેલો જુવે છે તથા આત્માથી તે ભૂતોના
વિસ્તારને જુવે છે, ત્યારે બ્રહ્મરૂપને પામે છે.(૩૦)
હે કાંન્તેય ! અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે,તે દેહ માં હોવા છતાં પણ કંઈ
કરતા નથી તથા કશાથી લેપાતા નથી.(૩૧)
જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણા ને લીધે લેપાતું નથી.
તેવી રીતે સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી.(૩૨)
હે ભારત ! જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત કરેછે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર ને પ્રકાશિત કરે છે.(૩૩)
જેવો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણે છે,
તેઓ બ્રહ્મને પામે છે.(૩૪)
અધ્યાય-૧૩-ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-સમાપ્ત
અધ્યાય-૧૪-ગુણયત્ર-વિભાગ-યોગ |
શ્રી ભગવાન કહે : જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે.(૧)
આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઇ ગયા છે, તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે
પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)
હે ભારત ! મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે. તેમા હું ગર્ભને ધારણ કરું છું.
આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.(૩)
હે કાન્તેય ! સર્વ યોનીમાં જે પ્રાણી ઉત્પન થાય છે, તે પ્રાણીઓની પ્રકૃતિ-માયા માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)
હે મહાબાહો ! સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.
તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.(૫)
હે અનધ ! તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર, ઉપદ્રવરહિત
સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે.
હે કાન્તેય ! પ્રીતિસ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધ થી જ ઉત્પન્ન થયેલો છે.
તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.(૭)
હે ભારત ! વળી તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્મા ને પ્રમાદ, નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮)
હે ભારત ! સત્વગુણ આત્માને સુખમાં જોડે છે, રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને
તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.(૯)
હે ભારત ! રજોગુણ, સત્વગુણ અને તમોગુણને જીતી વૃદ્ધિ પામે છે.
તમોગુણ, સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦)
દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)
હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા
એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)
વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ એ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)
સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે, તો તે
મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)
રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.
અને તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુઆદિ મૂઢ યોનીમાં જન્મ થાય છે.(૧૫)
પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)
સત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)
જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે. રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને
તમોગુણી કનિષ્ટ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે.(૧૮)
જીવાત્મા જયારે આ ત્રણે ગુણોથી ભિન્ન કર્તા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને અતીત
સમજે છે ત્યારે તે મારા સ્વરૂપ ને પામે છે.
જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણે ગુણોને અતિક્રમી
જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઇ મોક્ષને પ્રાપ્ત કરે છે.(૨૦)
અર્જુન કહે : હે પ્રભો ! આ ત્રણે ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો? તેનો આચાર કેવો હોય ? અને તે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?(૨૧)
શ્રી ભગવાન કહે : હે પાંડવ ! જે જ્ઞાન, કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી
અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી.(૨૨)
જે ઉદાસીન રહી એ ત્રણે ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કર્તા છે એમ માની સ્થિર રહે છે,
પોતે કંઈ જ કરતો નથી.(૨૩)
જે સુખ-દુઃખને સમાન ગણે છે, આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને સમાન ગણે છે,
પ્રિય અને અપ્રિય ને સમાન ગણે છે, નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજ વાળો છે.(૨૪)
જેને માટે માન-અપમાન સમાન છે, જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને
જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે, તે ગુણાતીત કહેવાય છે.(૨૫)
જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે, તે આ ત્રણે ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી
બ્રહ્મસ્વરૂપ થવાને યોગ્ય બને છે.(૨૬)
કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું, સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું.(૨૭)
અધ્યાય-૧૪-ગુણયત્ર-વિભાગ-યોગ-સમાપ્ત
અધ્યાય-૧૫-પુરુષોત્તમ-યોગ |
શ્રી ભગવાન કહે : આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો
કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે. જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવત્તા છે.(૧)
તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે. શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.
નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)
એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે, તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી.એનો અંત, આદિ તથા સ્થિતિ
પણ નથી.આવા બળવાન મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને;(૩)
ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ.જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી.જેમાંથી આ
સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે એવા તે આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું.(૪)
અહંકાર (અમાની) તથા મોહ વિનાના સંગદોષને જીતનારા પરમાત્મસ્વરૂપનો વિચાર કરવામાં તત્પર, જેમની કામનાઓ શાંત પામી છે તેવા સુખદુઃખરૂપી દ્વંદોથી મુક્ત થયેલા વિદ્વાનો એ અવિનાશી પદને પામે છે.(૫)
તે પદને પ્રકાશિત કરવા માટે સુર્ય, ચંદ્ર કે અગ્નિ સમર્થ નથી અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો
પુનઃ પાછા આવતા નથી તે મારું પરમ પદ છે.(૬)
આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવરૂપે રહેલો છે.પ્રકૃતિમાં રહેલી મન સહિત છ શ્રોતાદિક
ઈન્દ્રિયોને તે આકર્ષે છે.(૭)
વાયુ જેવી રીતે પુષ્પમાંથી સુવાસ લઇ જાય છે તેમ શરીર નો સ્વામી જીવાત્મા જે પૂર્ણ દેહ ત્યાગ
કરે છે,તેમાંથી મન સહિત ઈન્દ્રિયોને ગ્રહણકરી જે બીજો દેહ ધારણ કરે છે
તેમાં તેમને પોતાની સાથે લઇ જાય છે.(૮)
તે જીવ કાન, આંખ, ત્વચા,જીભ,નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો
ઉપભોગ કરે છે.(૯)
બીજા દેહમાં જનારો કે દેહમાં નિવાસ કરનારો, શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખદુખાદિ
યુક્ત રહેનારો જે જીવ છે તેનું સત્સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી પણ જેમને જ્ઞાનચક્ષુ હોય છે તેમને જ
દેખાય છે.(૧૦)
યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્મા ને જુવેછે અને જેઓ અશુદ્ધ અંત:કરણવાળા અને
અવિવેકી છે તેને એ જીવ નું સ્વરૂપ દેખાતું નથી.(૧૧)
સૂર્યમાં રહેલું તેજ સર્વ જગતને પ્રકાશિત કરેછે અને જે અગ્નિ તથા ચંદ્ર માં પણ રહેલું છે
તે તેજ મારું છે એમ તું સમજ (૧૨)
હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને
સર્વ ઔષધિઓને પોષું છું.(૧૩)
હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ, અપાન ઈત્યાદિ વાયુમાં મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના
અન્ન નું પાચન કરું છું.(૧૪)
વળી હું સર્વના હદયમાં રહેલો છું. મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે.
સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું છું.(૧૫)
આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે. સર્વ ભૂતોને ક્ષર કહેવામાં આવે છે
અને કુટસ્થ-સર્વ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપ ને અક્ષર કહેવામાં આવે છે.(૧૬)
ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે. તેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ઈશ્વરરૂપ
બની આ જગતત્રયમાં પ્રવેશી ને તેનું ધારણ-પોષણ કરે છે.(૧૭)
હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું.
તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.(૧૮)
હે ભારત ! જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે, તે સર્વજ્ઞ છે. અને તે
સર્વ ભક્તિયોગથી મને ભજે છે.(૧૯)
હે નિષ્પાપ ! હે ભારત ! મેં આ પ્રમાણે તને ગુહ્ય માં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. એને જાણીને આત્મા જ્ઞાનવાન
થાય છે અને કૃતાર્થ થાય છે.(૨૦)
અધ્યાય-૧૫-પુરુષોત્તમ-યોગ-સમાપ્ત
અધ્યાય-૧૬-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ |
શ્રી ભગવાન કહે : અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, વેદોનું પઠન-મનન, તપ , સરળતા;(૧)
અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી તે, સર્વ પ્રાણી માત્ર પર દયા, ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા;(૨)
તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા --
દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)
હે પાર્થ ! દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો
આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલાં હોય છે.(૪)
દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જયારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે.
હે પાંડવ ! તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે.(૫)
હે પાર્થ ! આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ,
એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તાર પૂર્વક કહેલો છે. એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ.(૬)
આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃતિને સમજતા નથી. અને તેમનામાં પ્રવિત્રતા હોતી નથી. તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે.(૭)
તે આસુરી મનુષ્યો જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એક બીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું, કામના હેતુ વાળું કહે છે. તેઓ માને છે કે આ જગતનું કામના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે?(૮)
આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલાં, અલ્પબુદ્ધિ વાળા, હિંસાદિ ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે.(૯)
તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ,માન તથા મદથી યુક્ત થયેલા,અપવિત્ર વ્રતવાળા, અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે.(૧૦)
તથા મૃત્યુ પ્રયન્ત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષયભોગને પરમ પુરુષાર્થ માનનારા –
એ પ્રમાણે નિશ્વય કરનારા હોય છે.(૧૧)
આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા અને અન્યાય થી ધનનો સંચય ઇચ્છનારા હોય છે.(૧૨)
આમે આજે મેળવ્યું, કાલે હું આ સાધ્ય કરીશ,આટલું ધન હાલ મારી પાસે છે.અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે.(૧૩)
આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ.હું અતિ સમર્થ છું,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધિ છું.
હું બળવાન અને સુખી છું.(૧૪)
હું ધનાઢ્ય છું, કુલીન છું, આ જગત માં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ.
નટાદિ લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ.આમ તેઓ અતિ મૂઢ થઇ બક્યા કરે છે.(૧૫)
હું ધનવાન છું,હું કુળવાન છું, મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ, આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.(૧૬)
પોતેજ પોતાની પ્રશંસા કરનાર, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા આવા
મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ દંભથી જ યજ્ઞકાર્યો કરે છે.(૧૭)
અહંતા, બળ,ગર્વ, કામ તથાં ક્રોધનો આશ્રય લઇ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો
(ઈશ્વરનો ) દ્વેષ કરે છે.વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી.(૧૮)
તે સાધુઓનો દ્વેષ કરનારા, પાપી નરાધમો ને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું.(૧૯)
હે કાન્તેય ! આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં થતાં મને ન પામતા
ઉતરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે.(૨૦)
કામ, ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તીન થવા દેનારા નરક નાં
ત્રણ દ્વારો છે.માટે એ ત્રણેનો ત્યાગ કરવો.(૨૧)
હે કાન્તેય ! નરક નાં આ ત્રણે દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઇ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે
અને ઉતમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૨૨)
જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩)
માટે કાર્ય અને અકાર્ય નો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી
લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.
અધ્યાય-૧૬-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ-સમાપ્ત
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ |
અર્જુન કહે : હે શ્રી કૃષ્ણ ! જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને, શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન કરેછે તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)
શ્રી ભગવાન કહે : મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ, એમ ત્રણ પ્રકારની હોય છે તે સાંભળ.(૨)
હે ભારત ! સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે,તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે.
જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે. જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું પૂજન કરે છે અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.(૪)
દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે;(૫)
અને જે અવિવેકીજન દેહની ઈન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે, તે આસુરી નિષ્ઠાવાળા છે એમ તું માન.(૬)
પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે. તે રીતે યજ્ઞ,તપ અને દાન પણ ત્રણ પ્રકારનાં હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ સાંભળ.(૭)
આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા રસદાર તથા ચીકાશવાળા, દેહને પૃષ્ટિ આપનારા અને હદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.(૮)
અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર
રાજસોને પ્રિય હોય છે.(૯)
કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.(૧૦)
ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી જે શાસ્ત્રોકતવિધિ
પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.(૧૧)
હે ભરતશ્રેષ્ઠ ! ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ
કહેવામાં આવે છે, એમ તું સમજ.(૧૨)
શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે
તામસ યજ્ઞ કહેવાય છે.
દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા
એ શરીરસંબંધી તપ કહેવાય છે.(૧૪)
કોઈનું મન ન દુભાય તેવું, સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ
વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.(૧૫)
મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન,આત્મસંયમ અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬)
ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ
સાત્વિક તપ કહેવાય છે.(૧૭)
અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ
કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.(૧૮)
ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી
જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.(૧૯)
દાન કરવું એ આપણું કર્તવ્ય છે, એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર સત્પાત્રને, પુણ્યક્ષેત્રમાં
અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.(૨૦)
વળી જે કંઈ દાન પ્રતિઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં આવે તેને રાજસ
દાન કહેવાય છે.(૨૧)
જે દાન સત્કારરહિત, અપમાન પૂર્વક, અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે
તામસ દાન કહેવાય છે.(૨૨)
ॐ, તત્ અને સત્ - એવા ત્રણપ્રકારના બ્રહ્મનાં નામો છે,તેમના યોગથી પૂર્વે આદિકાળમાં બ્રાહ્મણ, વેદ અને
યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે.(૨૩)
એટલેજ વેદવેત્તIઓની યથાવિધિ યજ્ઞ, દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મનાં ॐ ઉચ્ચાર સહિત સતત ચાલતી હોય છે.(૨૪)
મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત્ નામનો ઉચ્ચાર કરી ને ફળની કામના ન રાખતાં યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ
તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે.(૨૫)
હે પાર્થ ! સદ્દભાવમાં તથા સાધુભાવમાં સત્ એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં
સત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.(૨૬)
યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત્ એમ કહેવાય છે. તેમ જ તેને માટે કરવામાં આવતું કર્મ પણ
એ જ પ્રમાણે કહેવાય છે.(૨૭)
હે પાર્થ ! અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; કારણ કે
તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.(૨૮)
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ-સમાપ્ત
અધ્યાય -૧૮-મોક્ષ-સંન્યાસ-યોગ |
અર્જુન કહે : હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘ સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને
’ ત્યાગ ’ શબ્દ નો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)
શ્રી ભગવાન બોલ્યા : કેટલાક સુક્ષ્મદર્શી પંડિતો કામ્યકર્મો ના ત્યાગને ’સન્યાસ’કહે છે જયારે વિદ્ધાનો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે.(૨)
કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે. આથી તેનો ત્યાગ કરવો.જયારે કેટલાક
પંડિતો કહે છે કે યજ્ઞ,દાન.તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહિ .(૩)
હે ભરતશ્રેષ્ઠ ! એ ત્યાગ વિષે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું સાંભળ.
હે પુરુષવ્યાઘ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે.(૪)
યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ.
યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)
હે પાર્થ ! એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ
એવો મારો નિશ્વિત અને ઉત્તમ અભિપ્રાય છે.(૬)
નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.(૭)
કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે.
એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.(૮)
હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.(૯)
સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાન વાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી.વળી તે વિહિત કર્મમાં આશક્ત થતો નથી.(૧૦)
દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી.માટે
જે કર્મફળ નો ત્યાગ કરનારો છે, તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે.(૧૧)
કર્મફળના ત્યાગ ન કરનાર ને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી.(૧૨)
હે મહાબાહો ! કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વ કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા
છે તે મારી પાસેથી સમજી લે.(૧૩)
સુખદુઃખાદિનો આશ્રય કરનાર દેહ, જીવાત્મા, જુદી જુદી ઇન્દ્રિયો, પ્રાણપાનાદિ વાયુના નાના પ્રકારની
ક્રિયાઓ અને દૈવ (એટલેકે વાયુ, સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ) આ પાંચ કારણો છે.(૧૪)
પુરુષ દેહ, મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મ રૂપ પણ કર્મનો પ્રારંભ કરેછે,
તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે.(૧૫)
તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કર્તા માને છે, સમજે છે તે - દુર્મતિ,
અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી.(૧૬)
હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો
વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.(૧૭)
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ (મન અને બુદ્ધિ સહિત દશ ઇન્દ્રિયો )
કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે.(૧૮)
સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન,કર્મ તથા કર્તા સત્વાદિ ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે.
તે ભેદ ને યથાર્થ રીતે તું સાંભળ.(૧૯)
જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે
તે જ્ઞાનને તું સાત્વિક જાણ.(૨૦)
વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે
તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.(૨૧)
વળી જે જ્ઞાન એક કર્મ માં પરિપૂર્ણ ની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થ થી રહિત
તથા અલ્પ વિષય વાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨)
ફળની ઈચ્છા ન રાખતાં જે નિત્ય નૈમિત્તિક કર્મો, કર્તુત્વ ના અભિમાનના ત્યાગ પૂર્વક રાગ-દ્વેષ
રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે.(૨૩)
વળી સ્વર્ગાદિ ફળની કામનાવાળા તથા અહંકાર વાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે,
તે રાજસ કહ્યું છે.(૨૪)
જે કર્મ પરિણામ નો, હાનિનો, હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી
આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. (૨૫)
ફળની ઈચ્છા વગરનો. ‘ હું કર્તા છું.’ એમ નહિ કહેનારો, ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં
વિકાર રહિત કર્મ કરનારો, સાત્વિક કહેવાય છે.(૨૬)
રાગી, કર્મફળની ઇચ્છાવાળો, લોભી,હિંસા કરવાવાળો,અપવિત્ર તથા હર્ષ-શોકવાળા કર્તાને રાજસ
કહેવામાં આવે છે.(૨૭)
અસ્થિર ચિત્તવાળો, અસંસ્કારી, ઉદ્ધત, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ,વિષાદ કરવાના
સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કર્તા તામસ કહેવાય છે.(૨૮)
હે ધનંજય ! બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણ પણે જુદાં જુદા
કહેવાય છે, તે તું સાંભળ.(૨૯)
હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન
તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.(૩૦)
હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.(૩૧)
હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે,
તે તામસી બુદ્ધિ છે.(૩૨)
હે પાર્થ ! ચિત્તવૃતિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહિ થનારી ધીરજથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની
ક્રિયાને ધારણ કરે છે. તે ધૈર્ય સાત્વિક કહેવાય છે.(૩૩)
હે પાર્થ ! વળી પ્રસંગાનુસાર ફળની કામનાવાળો થઇ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે
ધૈર્ય રાજસી છે.(૩૪)
હે પાર્થ ! ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન, ભય, વિષાદ તથા મદ ને પણ ત્યજતો નથી તે
ધૈર્ય તામસી છે.(૩૫)
હે ભરત શ્રેષ્ઠ ! હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખને સાંભળ.જે સમાધિસુખમાં અભ્યાસથી રમણ
કરે છે તથા દુઃખ ના અંત ને પામે છે.(૩૬)
જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી
ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે.(૩૭)
જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગ થી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી
પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખ ને રાજસ કહ્યું છે.(૩૮)
જે સુખઆરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું, નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે
તે સુખ તામસ કહ્યું છે. (૩૯)
પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા
પદાર્થ પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)
હે પરંતપ ! બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે
જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)
શમ, દમ, તપ,શૌચ, ક્ષમા, સરલતા તેમજ જ્ઞાન, વિજ્ઞાન,આસ્તિક્યપણું એ સ્વભાવ જન્ય બ્રાહ્મણોનાં
કર્મ છે.(૪૨)
શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન
એ ક્ષત્રીયનાં સ્વાભાવિક કર્મો છે. (૪૩)
ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.અને આ ત્રણે વર્ણ ની સેવારૂપ કર્મ શુદ્રનું
સ્વાભાવિક કર્મ છે.(૪૪)
પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે.પોતાના કર્મમાં તત્પર રહેલો
મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)
જેનાથી ભૂતોની ઉત્પતિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ
કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે.(૪૬)
સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે.સ્વભાવજન્ય
શાસ્ત્રાનુસારકર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી.(૪૭)
હે કાન્તેય ! વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્દભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું.
કારણકે સર્વકર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલો રહે છે તેમ દોષ
વડે ઢંકાયેલાં રહે છે.(૪૮)
સ્ત્રી-પુત્રાદિ સર્વ પદાર્થો વિષે આસક્તિ રહિત બુદ્ધિવાળો, અંત:કરણ ને વશ રાખનારો, વિષયો તરફ
સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈકર્મ્ય સિદ્ધિને પામે છે.(૪૯)
હે કાન્તેય ! નિષ્કર્મ્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ
નિષ્ઠા છે. તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ.(૫૦)
શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા
રાગદ્વેષનો ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.(૫૧)
એકાંત સેવનારો, અલ્પભોજન કરનારો, વાણી, દેહ તથા મનને વશમાં રાખનારો,દરરોજ ધ્યાન ધરનારો
એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે.(૫૨)
તથા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મસાક્ષાત્કાર
માટે યોગ્ય બને છે.(૫૩)
બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી. અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી.
સર્વ ભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે.(૫૪)
ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે જે મને તત્વથી જાણે છે, તે ભક્તિ વડે મને તત્વથી જાણીને
ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે.(૫૫)
સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને
પામે છે.(૫૬)
વિવેકબુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી - મારા પરાયણ થઇ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર
મારા વિષે મનવાળો થા.(૫૭)
મારા વિષે ચિત્ત રાખવાથી, મારી કૃપાથી,તું સર્વ દુઃખોને તરી જઈશ. પરંતુ જો તું કદાચિત્ અહંકારથી
મને સાંભળશે નહિ તો નાશ પામશે.(૫૮)
અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્વય મિથ્યા છે, કારણકે
તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે.(૫૯)
હે અર્જુન ! સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ
થઈને પણ તું કરીશ.(૬૦)
હે અર્જુન ! ઈશ્વર યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.(૬૧)
હે ભારત ! સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)
એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું, એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી
ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)
ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ, કેમ કે તું મને અતિપ્રિય છે. તેથી તને આ હિત કારક
વચનો કહું છું.(૬૪)
મારામાં જ મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, એમ કરવાથી તું મને પામીશ
એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણકે તું મને પ્રિય છે.(૬૫)
સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ,હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.માટે તું શોક ન કર(૬૬)
આ ગીતાનો ક્યારે પણ તપરહીતને, ભક્તિરહીતને, શુશ્રુષારહીતને તથા જે મારી અસૂયા કરે છે
તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહિ.(૬૭)
જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ
પામશે,એમાં સંશય નથી.(૬૮)
.
વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના
કરતાં બીજો વધારે પ્રિય પણ નથી.(૬૯)
તથા જે આપણા બે ના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે, તેનાથી જ્ઞાનયજ્ઞ વડે હું પૂજાઈશ
એવો મારો મત છે.(૭૦)
જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને
પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.(૭૧)
હે પાર્થ ! તેં આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે ? હે ધનંજય ! તારો અજ્ઞાન થી ઉત્પન્ન
થયેલો મોહ નાશ પામ્યો કે ? (૭૨)
અર્જુન કહે : હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે.
સંશયરહિત થઇ હું આપનું વચન પાળીશ.(૭૩)
સંજય કહે : એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્દભુત અને રોમાંચિત કરે
તેવો સંવાદ મેં સાંભળ્યો.(૭૪)
વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો.(૭૫)
હે રાજન ! શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્દભુત સંવાદ ને સંભારી સંભારી ને વારંવાર
હું હર્ષ પામું છું.(૭૬)
હે રાજન ! વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્દભુત વિશ્વરૂપને સંભારી સંભારીને મને વિસ્મય થાય છે ને
હું વારંવાર હર્ષ પામું છું.(૭૭)
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને
નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે.(૭૮)
અધ્યાય -૧૮-મોક્ષ-સંન્યાસ-યોગ-સમાપ્ત
ગીતા-ભગવદ ગીતા-શ્રીમદ ભગવદગીતા -સમાપ્ત.